05 July, 2025 01:46 PM IST | Spain | Gujarati Mid-day Correspondent
સોહારી પત્તા પર પરંપરાગત ડિનર. વડાં પ્રધાન કમલા પ્રસાદને ડિનર બાદ રામમંદિરની રેપ્લિકા અને સરયૂ તેમ જ ત્રિવેણી સંગમનું જળ ભેટ આપતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘાનાની મુલાકાત પછી ટ્રિનિડૅડ-ટબૅગોની રાજધાની પોર્ટ ઑફ સ્પેન પહોંચ્યા ત્યારે તેમનું પરંપરાગત ભોજપુરી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સામે અગવાની પરંપરાની ભોજપુરી ચૌતાલ રજૂ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે પહેલી વાર આ કૅરિબિયન દેશની મુલાકાત લીધી હતી. તેમના સ્વાગતમાં ઍરપોર્ટ પર ટ્રિનિડૅડ-ટબૅગોના વડાં પ્રધાન કમલા પ્રસાદ બિરેસર અને કૅબિનેટના ૩૮ પ્રધાન હાજર રહ્યા હતા અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.
સંસ્કૃતિ સમન્વય
રાષ્ટ્રપતિ કંગાલુજી અને વડાં પ્રધાન કમલાજીને ભારતના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર ગણાવતાં તેમણે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ કંગાલુ એ પૂર્વજ સંત તિરુવલ્લુરજીની ધરતી તામિલનાડુના હતા. કમલા પ્રસાદજીને લોકો બિહાર કી બેટી કહે છે. તેમના પૂર્વજ બિહારના બક્સરમાં રહેતા હતા. તેઓ પોતે પણ બિહાર આવી ચૂક્યાં છે.’
તેમણે ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. પોર્ટ ઑફ સ્પેનમાં ભારતીયો દ્વારા અને વિવિધ ભારતીય પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિકો માટે અહીં ‘ભારત કો જાનિએ’ નામની એક ક્વિઝ યોજાઈ હતી. તેમના વિજેતાઓને મોદીએ ભેટ આપીને કહ્યું હતું કે આવી ક્વિઝ દુનિયાભરમાં ભારતીય પ્રવાસી યુવાનોનું ભારત સાથેનું જોડાણ મજબૂત કરે છે. એ બહુ ગર્વની વાત છે કે ભારતીય સમુદાય દ્વારા આપણી સંયુક્ત પરંપરા, સંસ્કૃતિ અને રીતરિવાજોને આજે પણ સાચવીને રાખવામાં આવ્યાં છે.’
ટ્રિનિડૅડ-ટબૅગોનું સર્વોચ્ચ સન્માન
મોદીને ટ્રિનિડૅડ-ટબૅગોના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ધ ઑર્ડર ઑફ ધ રિપબ્લિક ઑફ ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો’થી નવાજવામાં આવ્યા હતા. સન્માન મેળવતી વખતે તેમણે કહ્યું હતું કે આ સન્માન બન્ને દેશોની શાશ્વત અને ગહન મિત્રતાનું પ્રતીક છે, એને હું ૧૪૦ કરોડ ભારતીયો વતી સ્વીકારું છું.
સોહારી પત્તા પર ડિનર
યજમાન દેશના વડાં પ્રધાને મોદીના માનમાં ડિનર યોજ્યું હતું એમાં પણ ભારતીય સંસ્કૃતિ છલકતી જોવા મળી હતી. સોહારી પત્તા પર ભોજન પિરસાયું હતું. ડિનર પછી રામલીલા ભજવાઈ હતી અને એ માટે મોદીજીએ કહ્યું હતું કે ‘મને યાદ છે કે તમે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ વખતે પવિત્ર જળ અને શિલાઓ મોકલ્યાં હતાં. મને વિશ્વાસ છે કે તમે પણ ૫૦૦ વર્ષ બાદ અયોધ્યામાં રામલલાની વાપસીના ઉત્સવને માણ્યો હશે.’
ડિનર ડિપ્લોમસી બાદ મોદીજીએ વડાં પ્રધાન કમલા પ્રસાદને રામમંદિરની ટચૂકડી રેપ્લિકા, સરયૂ નદી તેમ જ પ્રયાગના ત્રિવેણીસંગમનું જળ ભેટમાં આપ્યું હતું.
ઓવરસીઝ સિટિઝન આૅફ ઇન્ડિયા કાર્ડ
આ મુલાકાતની સાથે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ટ્રિનિડૅડ-ટોબૅગોમાં રહેનારા ભારતીય મૂળના નાગરિકો (છઠ્ઠી પેઢી સુધી) હવે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ માટે પાત્ર હતા. આ કાર્ડ થકી તેઓ કોઈ પ્રતિબંધ વિના ભારતમાં રહી શકશે અને કામ કરી શકશે.