22 December, 2024 09:29 AM IST | Kuwait | Gujarati Mid-day Correspondent
કુવૈતમાં આ ભૂતપૂર્વ IFS ઑફિસરને મળ્યા વડા પ્રધાન
ગઈ કાલે પશ્ચિમ એશિયાના ગલ્ફ રાષ્ટ્ર કુવૈતની બે દિવસની મુલાકાતે પહોંચેલા નરેન્દ્ર મોદીનું ત્યાંના ભારતીય સમુદાયે ભવ્ય સ્વાગત કર્યું હતું. છેલ્લાં ૪૩ વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીય વડા પ્રધાન કુવૈતની મુલાકાતે ગયા છે. નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તેમની હોટેલમાં ભેગા થયેલા ભારતીય સમુદાયના લોકોમાં ૧૦૧ વર્ષના મંગલ સૈન હાંડા પણ હતા, જે ભૂતપૂર્વ ઇન્ડિયન ફૉરેન સર્વિસ (IFS) ઑફિસર છે અને હવે કુવૈતમાં રહે છે. ચાર દાયકા પહેલાં રિટાયર થયા એ પહેલાં તેમણે ભારત સરકાર વતી કુવૈત, યુનાઇટેડ કિંગડમ, ઇરાક, ચીન, આર્જેન્ટિના અને કમ્બોડિયામાં કામ કર્યું હતું.
શુક્રવારે મંગલ સૈન હાંડાનાં દોહિત્રી શ્રેયા જુનેજાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તમે શનિવારે કુવૈતમાં ભારતીય સમુદાયને મળવાના છો ત્યારે ૧૦૧ વર્ષના મારા નાનાજી મંગલ સૈન હાંડાને પણ મળજો, તેઓ ભૂતપૂર્વ IFS ઑફિસર છે અને તમારા મોટા પ્રશંસક છે.
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કુવૈત જતાં પહેલાં શ્રેયા જુનેજાને તેમના નાનાજીને મળવાનું વચન આપ્યું હતું અને ત્યાં પહોંચીને એ પાળ્યું પણ હતું. આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે કુવૈતમાં શ્રી મંગલ સૈન હાંડાજીને મળીને આનંદ થયો, હું ભારત માટેના તેમના યોગદાન અને ભારતના વિકાસ માટેના તેમના પૅશનની પ્રશંસા કરું છું.
રામાયણ અને મહાભારતને અરેબિકમાં પ્રકાશિત કરનાર પણ મળ્યા નરેન્દ્ર મોદીને
કુવૈતમાં નરેન્દ્ર મોદી રામાયણ અને મહાભારતનું અરેબિકમાં ભાષાંતર અને પ્રકાશન કરનારા અબ્દુલ્લા અલ-બરૌન અને અબ્દુલ લતીફ અલ-નેસેફને પણ મળ્યા હતા તથા તેમના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.