મૉરિશસ મેં યાદગાર સ્વાગત ભઇલ

12 March, 2025 08:28 AM IST  |  Port Louis | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીને મળ્યું મૉરિશ્યસનું સર્વોચ્ચ સન્માન, આ ૨૧મો વિદેશી પુરસ્કાર મળ્યો : બે દિવસની મુલાકાતે પહોંચીને વડા પ્રધાને સોશ્યલ મીડિયા પર ભોજપુરીમાં કેમ લખ્યું

ગઈ કાલે નરેન્દ્ર મોદીને પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન આપતા મૉ​રિશ્યસના વડા પ્રધાન નવીન રામગુલામ.

મૉરિશ્યસના વડા પ્રધાન નવીન રામગુલામે ગઈ કાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રૅન્ડ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઍન્ડ કી ઑફ ધ ઇન્ડિયન ઓશન’થી સન્માનિત કર્યા હતા. આ સન્માન વડા પ્રધાન મોદીએ ભારત અને મૉરિશ્યસ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે આપેલા યોગદાન માટે આપવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારા નરેન્દ્ર મોદી પહેલા ભારતીય છે. નવીન રામગુલામે કહ્યું હતું કે આ સન્માન મેળવનારા નરેન્દ્ર મોદી પાંચમા વિદેશી નાગરિક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલું આ ૨૧મું આંતરરાષ્ટ્રીય સન્માન છે જે બીજા કોઈ દેશે આપ્યું છે.

ગઈ કાલે મૉરિશ્યસના પોર્ટ લુઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત બિહારના પારંપરિક ગીત ગવઈથી કરવામાં આવ્યું હતું. ગીત ગવઈ એક પારંપરિક ભોજપુરી સંગીતસમૂહ છે જે ભારતના ભોજપુરી ક્ષેત્રની મહિલાઓ દ્વારા મૉરિશ્યસમાં લાવવામાં આવેલી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.

મોરિશ્યસમાં મૉરિશ્યન ક્રીઓલ, ફ્રેન્ચ અને અંગ્રેજી ઉપરાંત મોટા પ્રમાણમાં ભોજપુરી ભાષા બોલાય છે. ૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશરોનો મૉરિશ્યસ પર કબજો હતો ત્યારે તેઓ ભોજપુરી ક્ષેત્ર (આજના બિહાર અને ઉત્તર પ્રદેશ)થી મોટા પાયે મજૂરોને મૉરિશ્યસ લઈ ગયા હતા. મૉરિશ્યસમાં બાર લાખની વસ્તીમાં ૭૦% ભારતીયો છે અને એમાંના મોટા ભાગના ભોજપુરી ભાષા બોલે છે.

નરેન્દ્ર મોદીએ પણ મૉરિશ્યસમાં થયેલા સ્વાગત વિશે સોશ્યલ ​મીડિયા પર ભોજપુરીમાં લખ્યું હતું કે મૉરિશ્યસ મેં યાદગાર સ્વાગત ભઇલ. સબસે ખાસ રહિલ ગહરા સાંસ્કૃતિક જુડાવ, જવન ગીત ગવઈ કે પ્રદર્શન મેં દેખે કે મિલલ. ઈ સરાહનીય બા કિ મહાન ભોજપુરી ભાષા ‘મૉરિશસ કે સંસ્કૃતિ મેં આજુઓ ફલત-ફૂલત બા ઔર મૉરિશસ કે સંસ્કૃતિ મેં અબહિયો જીવંત બા.’

narendra modi mauritius international news india world news news