મોદીએ નેપાલના પ્રવાસમાં ચીને બનાવેલા ઍરપોર્ટ પર પગ ન મૂક્યો

17 May, 2022 09:07 AM IST  |  Lumbini | Gujarati Mid-day Correspondent

બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક બાબતો અને શિક્ષણના ક્ષેત્રે સહકાર માટે છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

નેપાલના લુંબિ​નીમાં ગઈ કાલે બુદ્ધ પૂર્ણિમાના અવસરે માયાદેવી મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુંબિનીમાં નેપાલના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી, જેમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વાતચીત બાદ બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક બાબતો અને શિક્ષણના ક્ષેત્રે સહકાર માટે છ સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. કાઠમંડુ યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-મદ્રાસ વચ્ચે માસ્ટર્સ લેવલના જૉઇન્ટ ડિગ્રી પ્રોગ્રામ માટે સમજૂતી કરાર પર સાઇન કરવામાં આવી હતી. મોદી દેઉબાના આમંત્રણ પર બુદ્ધ પૂર્ણિમાના અવસરે લુંબિનીમાં ગયા હતા.

પીએમ મોદીનું પ્લેન દિલ્હીથી કુશીનગર પહોંચ્યું હતું અને એ પછી કુશીનગરથી લુંબિની સુધી મોદીએ હેલિકૉપ્ટરમાં પ્રવાસ કર્યો હતો. મોદીએ લુંબિનીની પ્રમાણમાં નજીક આવેલા મેડ ઇન ચાઇના ગૌતમ બુદ્ધ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર જવાનું ટાળ્યું હતું.

વડા પ્રધાને બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપા‍લના લુંબિનીમાં માયાદેવી મંદિરમાં પ્રાર્થના કરી હતી. પ્રાર્થના પછી મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે ‘બુદ્ધ પૂર્ણિમાના અવસરે માયાદેવી મંદિર ખાતે પ્રાર્થના કરીને મેં ધન્યતા અનુભવી. ભગવાન બુદ્ધ આપણા બધાને આશીર્વાદ આપે અને આપણા ગ્રહને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવે.’

ભારત અને નેપાલના વડા પ્રધાનોએ લુમ્બિની બૌદ્ધ વિહાર ક્ષેત્રમાં ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર બૌદ્ધ કલ્ચર ઍન્ડ હેરિટેજ માટે શિલાન્યાસ કર્યો હતો. એ તૈયાર થઈ ગયા બાદ વૈશ્વિક સ્તરની સુવિધા ધરાવતું કેન્દ્ર બની જશે. 

મોદી વારંવાર નેપાલ કેમ જાય છે?

બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેપાલના પ્રવાસે હતા. તેઓ પોતાના આઠ વર્ષના કાર્યકાળમાં પાંચમી વખત નેપાલના પ્રવાસે ગયા હતા. આ પહેલાં તેઓ ૨૦૧૪માં બે વખત અને ૨૦૧૮માં બે વખત નેપાલ ગયા હતા. વાસ્તવમાં નેપાલમાં ચીનનો હસ્તક્ષેપ સતત વધી રહ્યો છે. નેપાલ પાડોશી હોવાને કારણે ભારત માટે વ્યૂહાત્મક રીતે એની સાથેના સંબંધનું મહત્ત્વ વધી જાય છે. આ જ કારણસર ભારત દ્વારા નેપાલની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે.

international news india china nepal narendra modi