01 September, 2025 09:38 AM IST | Kyiv | Gujarati Mid-day Correspondent
ઝેલેન્સ્કી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી અને યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ આવે એ માટે ભારત પ્રતિબદ્ધ છે એમ કહ્યું હતું.
પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)ના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ટેલિફોન વાતચીત દરમ્યાન વડા પ્રધાને યુક્રેનની તાજેતરની પરિસ્થિતિઓ પર પોતાનો દૃષ્ટિકોણ શૅર કરવા બદલ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો.
વડા પ્રધાને ફરી શાંતિ સ્થાપવાના પ્રયાસોને ભારતનું સંપૂર્ણ સમર્થન છે એમ કહ્યું હતું. આ સંદર્ભમાં તમામ શક્ય સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પણ તેમણે જાહેર કરી હતી.
નેતાઓએ ભારત-યુક્રેન દ્વિપક્ષીય ભાગીદારીમાં પ્રગતિની પણ સમીક્ષા કરી હતી અને પરસ્પર હિતનાં તમામ ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી.
નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા પછી યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘ભારત રશિયાને અમારો સંદેશ પહોંચાડવા માટે તૈયાર છે. ભારત શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટની સાઇડલાઇનમાં થનારી બેઠકો દરમ્યાન રશિયા અને અન્ય નેતાઓને યોગ્ય સિગ્નલ આપવા માટે જરૂરી પ્રયાસો કરવા તૈયાર છે.’
ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે ‘મેં વડા પ્રધાનને યુરોપિયન નેતાઓ સાથે તેમની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત વિશે માહિતી આપી હતી. યુક્રેનમાં પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ હું વડા પ્રધાનનો આભાર માનું છે.’
ડોનલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠકનું કોઈ ફળ આવતું ન દેખાતાં ઝેલેન્સ્કીએ થોડા દિવસ પહેલાં એવું કહ્યું હતું કે યુક્રેન હવે રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારત તરફ મીટ માંડી રહ્યું છે.