જપાનમાં ૭.૫ની તીવ્રતાનો શક્તિશાળી ધરતીકંપ, સુનામી આવવાની ચેતવણી

21 April, 2026 11:08 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

નૉર્થ જપાનમાં દરિયાકિનારે રહેતા લોકોને ઊંચાઈવાળા સ્થળે જવાનો નિર્દેશ, પાવર પ્લાન્ટ અને પરમાણુ પ્લાન્ટને સુરક્ષાવ્યવસ્થા જાળવવાની અપીલ કરવામાં આવી

જપાનમાં ભૂકંપનું જોખમ

નૉર્થ-ઈસ્ટ જપાનના કિનારા પર ગઈ કાલે રિક્ટર સ્કેલ પર ૭.૫ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેને કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી અને પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. અધિકારીઓએ રહેવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર જવાની અને ઊંચાઈવાળાં સ્થળો પર આશ્રય લેવાની વિનંતી કરી હતી. આ ધરતીકંપમાં જાનમાલના નુકસાન અને જાનહાનિની વિગતો આપવામાં આવી નથી.

જપાન હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ પૅસિફિક મહાસાગરમાં ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. દરિયાકાંઠાના કેટલાક ભાગો જેવા કે ઇવાટે, આઓમોરી અને હોક્કાઇડો પ્રીફેક્ચર્સમાં ૩ મીટર (૯.૮૪ ફુટ) સુધીનાં સુનામી મોજાં આવવાની આશંકા સેવાઈ રહી છે.

આ સંદર્ભમાં વડા પ્રધાન સનાઈ તાકાઇચીએ જણાવ્યું હતું કે ‘એક ઇમર્જન્સી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સ્થળાંતર કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સંભવિત નુકસાન અને જાનહાનિની ​​તપાસ કરવામાં આવી રહી છે.’

જપાનની ટેલિવિઝન ચૅનલના ન્યુઝ અનુસાર ઓત્સુચી અને કામૈશી સહિત અનેક પોર્ટ સિટીમાં હજારો રહેવાસીઓ માટે સ્થળાંતરના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.

ભૂકંપના ફુટેજમાં હોક્કાઇડોના હાચિનોહે બંદરથી જહાજો મોજાંઓની અપેક્ષાએ બહાર નીકળતાં દેખાતાં હતાં, કારણ કે સ્ક્રીન પર ‘સુનામી આવશે, ખાલી કરો’ની ચેતવણી આપવામાં આવી હતી. ૩ મીટરની સુનામી નીચાણવાળા વિસ્તારોમાં નુકસાન પહોંચાડી શકે છે, બિલ્ડિંગોમાં પાણી ભરાઈ શકે છે અને લોકો એના પ્રવાહમાં ફસાઈ શકે છે.

જપાનમાં ભૂકંપનું જોખમ - જપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે, જે પૅસિફિક ‘રિંગ ઑફ ફાયર’ પર આવેલો છે. એ વિશ્વના ૬.૦ કે એથી વધુ તીવ્રતાના ભૂકંપના લગભગ ૨૦ ટકા માટે જવાબદાર છે.

international news world news japan earthquake