16 May, 2025 08:19 AM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઑસ્ટ્રેલિયાની નૅશનલ ઍરલાઇન કંપની ક્વૉન્ટાસ ઍરવેઝે જાહેરાત કરી છે કે સિડની અને લંડન વચ્ચે વિશ્વની સૌથી લાંબી નૉન-સ્ટૉપ પૅસેન્જર ફ્લાઇટ ૨૦૨૭માં ઉડાન ભરશે. આ ફ્લાઇટ ૨૦ કલાકથી વધુ સમય સુધી નૉન-સ્ટૉપ ઉડ્ડયન કરીને ૧૭,૦૧૫ કિલોમીટરનું અંતર કાપશે. હાલમાં લૉન્ગેસ્ટ નૉન-સ્ટૉપ પૅસેન્જર ફ્લાઇટનો રેકૉર્ડ સિંગાપોર ઍરલાઇન્સની સિંગાપોરથી ન્યુ યૉર્કની ફ્લાઇટના નામે છે જે આશરે ૧૮.૫ કલાકમાં લગભગ ૧૫,૩૦૦ કિલોમીટરનું અંતર કાપે છે. ક્વૉન્ટાસે લૉન્ગેસ્ટ નૉન-સ્ટૉપ ફ્લાઇટને પ્રોજેક્ટ સનરાઇઝ નામ આપ્યું છે, કારણ કે આ ફ્લાઇટના પ્રવાસીઓ આ સફરમાં બે અદ્ભુત સૂર્યોદય જોશે.
લગભગ દિવસભરની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ક્વૉન્ટાસ ૧૨ નવાં ઍરબસ A350-1000 ઍરક્રાફ્ટ રજૂ કરશે. વધુ લેગરૂમ માટે ૩૦૦ની સામાન્ય બેઠક-ક્ષમતા ઘટાડીને ૨૩૮ કરવામાં આવશે. ઇકૉનૉમી અને પ્રીમિયમ કૅબિન વચ્ચે એક સમર્પિત વેલનેસ ઝોન સ્થાપિત કરવામાં આવશે જે બધા મુસાફરો માટે સુલભ હશે. આ વિસ્તારમાં ઑન-સ્ક્રીન કસરત કાર્યક્રમો, સ્ટ્રેચ હૅન્ડલ્સ અને હાઇડ્રેશન સ્ટેશન હશે.