19 October, 2025 07:23 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથે લખનઉના બ્રહ્મોસ ઍરોસ્પેસ યુનિટમાંથી બ્રહ્મોસ મિસાઇલના પહેલા બૅચનું ફ્લૅગ-ઑફ કરાવ્યો હતો.
કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે લખનઉમાં નિર્મિત બ્રહ્મોસ સુપરસૉનિક મિસાઇલના પહેલા બૅચને ફ્લૅગ-ઑફ કરાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું હતું કે ‘ડિફેન્સ સેક્ટરમાં ભારતની ક્ષમતાઓનો એક નવો યુગ શરૂ થયો છે. લખનઉ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતાના એક મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરીને આવ્યું છે. આવનારા સમયમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ સેક્ટરના પ્રોડક્શનનું એક મહત્ત્વનું હબ બની જશે.’
ઑપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતું એમ કહીને રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે આ ટ્રેલર પરથી જ પાકિસ્તાનને સમજાઈ ગયું હતું કે ‘જો ભારત એને જન્મ આપી શકે છે તો સમય આવે તો એને....’ એમ કહીને વાક્ય અધૂરું છોડીને ડિફેન્સ મિનિસ્ટરે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડવાની ભારતની ક્ષમતા વિશે વાત કરી દીધી હતી.
બ્રહ્મોસથી આપણા દુશ્મનો બચી નહીં શકે એવું કહીને ડિફેન્સ મિનિસ્ટરે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનની એક-એક ઇંચ જમીન બ્રહ્મોસની પહોંચમાં છે, એટલે કે આખું પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઇલની રેન્જમાં છે.’