આતંકી આકા માટે પાકિસ્તાન પૂર-રાહતના નામે પૈસા ભેગા કરી રહ્યું છે

15 September, 2025 08:19 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

લશ્કર-એ-તય્યબાના આ‍ૅપરેશન સિંદૂરમાં નાશ પામેલા મુખ્યાલયનું ફરી બાંધકામ શરૂ

પ્રતીકાત્મક તસવીર

પહલગામ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલાં આતંકવાદીઓનાં મુખ્ય કેન્દ્રોનો સફાયો કરી દીધો હતો

પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપવા ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર શરૂ કરીને ૭ મેની રાત્રે પાકિસ્તાનના પંજાબમાં લશ્કર-એ-તય્યબા (LeT)ના મુખ્ય મથક તરીકે કામ કરતી મદરેસા ‘મરકઝ તય્યબા’ને જમીનદોસ્ત કરી દીધી હતી. આ ઇમારતમાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી એટલું જ નહીં, ત્યાં મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો પણ સંગ્રહિત કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાન એને ફરી બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ખર્ચ કરવામાં આવનારા કરોડો રૂપિયા સરકાર આપી રહી હોવાના અહેવાલો જોવા મળ્યા હતા. પાકિસ્તાન સરકાર પૂરનાં રાહતકાર્યો માટે ભેગાં કરેલાં નાણાંનો ઉપયોગ LeTના મુખ્યાલયને ફરી બનાવવા માટે કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ભારતીય ગુપ્તચર એજન્સીઓના ડોઝિયર પ્રમાણે ગયા મહિને મરકઝ તય્યબા બનાવવા માટે ઘણાં મોટાં મશીનો પંજાબના મુરીદકે શહેર પહોંચ્યાં હતાં. ૪ સપ્ટેમ્બરે ઉમ્મ ઉલ કુરા નામના પીળા બ્લૉકને પણ તોડી પાડવામાં આવ્યો હતો અને એની ૩ લાલ ઇમારતોને એક દિવસ પછી તોડી પાડવામાં આવી હતી.

પૂરગ્રસ્તોના નામે નાણાં એકઠાં થાય છે
ગુપ્તચર એજન્સીની માહિતી પ્રમાણે ઑગસ્ટમાં પાકિસ્તાન સરકારે લશ્કર-એ-તય્યબાને ૪ કરોડ રૂપિયાની મદદ કરી હતી. આ સિવાય મરકઝને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે લગભગ ૧૫ કરોડ રૂપિયાની જરૂર પડશે. ભારે ચોમાસાને કારણે આ વર્ષે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને હજી ઘણા વિસ્તારોમાં સ્થિતિ ખરાબ છે. આવી સ્થિતિમાં લશ્કર-એ-તય્યબા ભંડોળ એકઠું કરવા માટે પૂરની મદદ લઈ રહ્યું છે. લશ્કર પૂરમાં લોકોને રાહત આપવાના નામે મોટી માત્રામાં પૈસા એકઠા કરી રહ્યું છે. પૂર-રાહત માટે મળેલા મોટા ભાગના પૈસાનો ઉપયોગ આતંકી મુખ્યાલયને ફરી બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

લશ્કરની આ જૂની પ્રવૃત્તિ
જોકે આ પહેલી વાર નથી કે લશ્કર-એ-તય્યબા માનવતાવાદી સહાયના નામે ચાલ રમી રહ્યું છે. અગાઉ ૨૦૦૫માં પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપગ્રસ્તોને મદદ કરવાના નામે લશ્કરે અબજો ડૉલર એકઠા કર્યા હતા અને એમાંથી ૮૦ ટકા પોતાના માટે રાખ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પૈસાથી લશ્કરે મુરીદકેમાં એનું મુખ્યાલય અને કોટલીમાં મરકઝ અબ્બાસનું નિર્માણ કર્યું હતું.

શું છે પાકિસ્તાનનો પ્લાન?
પાકિસ્તાન એવું ઇચ્છે છે કે ૨૦૨૬માં પાંચમી ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ પહેલાં મુરીદકેમાં લશ્કર-એ-તય્યબાના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન થઈ જાય. આના કારણે ફેબ્રુઆરી પહેલાં આ ઇમારતનું પુનર્નિર્માણ કરવાનું લક્ષ્ય છે. એના ઉદ્ઘાટન પછી સંકુલનો ઉપયોગ આતંકવાદીઓને તૈયાર કરવા, બ્રેઇન વૉશ કરવા, શસ્ત્રની તાલીમ આપવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કરવામાં આવશે. પાકિસ્તાન સરકાર પણ આ નવીનીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

international news world news operation sindoor terror attack Pahalgam Terror Attack pakistan indian army