08 April, 2025 10:12 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉદી અરેબિયાએ ૧૪ દેશના નાગરિકોને વીઝા આપવા પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદી અરેબિયા દ્વારા ૨૦૨૫ની હજયાત્રા પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ સાઉદી સરકાર જૂન ૨૦૨૫ના મધ્ય સુધી ઉમરાહ, વ્યવસાય અને કૌટુંબિક મુલાકાતના વીઝા આપવાનું ટાળશે.
સાઉદી અરેબિયાના અધિકારીઓના કહેવા અનુસાર આ પ્રતિબંધ હજયાત્રા સાથે જોડાયેલી ભીડને નિયંત્રિત કરવા અને રજિસ્ટ્રેશન વિના હજ કરનાર વ્યક્તિને રોકવા માટેના પ્રયાસ અંતર્ગત લાદવામાં આવ્યો છે. આવું કરવાનો હેતુ ગયા વર્ષે હજયાત્રા દરમ્યાન ભારે ગરમી અને નોંધણી વિનાના યાત્રાળુઓના ધસારાને કારણે મચેલી નાસભાગનું પુનરાવર્તન ટાળવા માટેનો છે.
સાઉદી અરેબિયાનો વીઝા-પ્રતિબંધ ભારત, બંગલાદેશ અને પાકિસ્તાન સહિત ૧૪ દેશ પર લાગુ થશે. આ દેશોના હજારો લોકો હજયાત્રા પર જાય છે એટલે આ નિર્ણય આવા દેશોના યાત્રાળુઓ માટે નિરાશાજનક છે.