શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે! રાજકીય તણાવ અને વિવાદ વચ્ચે અદાલત સમક્ષ હાજર થશે

10 July, 2026 04:24 PM IST  |  Dhaka | Gujarati Mid-day Online Correspondent

બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ડિસેમ્બર આસપાસ પોતાના દેશ પરત ફરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ અદાલત સમક્ષ હાજર થશે, ભલે તેમને ધરપકડ કે જોખમનો સામનો કરવો પડે. તેમને કહ્યું કે તેમને જીવનું જોખમ થઈ શકે છે. છતાં પાછા જવું જ છે.

શેખ હસીના (સૌજન્ય મિડડે)

બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ પોતાના દેશ પાછા ફરવાનો નિર્ણય જાહેર કર્યો છે. શેખ હસીનાએ કહ્યું કે, તેઓ પોતાના વરિષ્ઠ પક્ષના સાથીઓ સાથે મળીને લગભગ ડિસેમ્બરમાં ભારતમાં ચાલી રહેલું તેમનું નિર્વાસન સમાપ્ત કરીને બાંગ્લાદેશ પરત ફરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં પરત ગયા બાદ તેઓ અદાલત સમક્ષ હાજર થશે અને પોતાને કાયદાકીય પ્રક્રિયા માટે રજૂ કરશે. બાંગ્લાદેશમાં શેખ હસીના સામે ગંભીર કેસ ચાલી રહ્યા છે અને તેમને મોતની સજાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ તેમની પાર્ટી અવામી લીગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શેખ હસીનાએ કહ્યું કે, તેઓ પોતાના દેશમાં અદાલત સમક્ષ હાજર થઈને જોવા માગે છે કે બાંગ્લાદેશ સરકાર પોતાના સૌથી મોટા રાજકીય વિરોધી સાથે કેવું વર્તન કરે છે. દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહેનાર નેતાઓમાં સામેલ શેખ હસીનાએ કહ્યું કે, તેઓ અને તેમની પાર્ટી અવામી લીગના સભ્યો પોતાની ઈચ્છાથી બાંગ્લાદેશ પાછા ફરવા માગે છે. તેમણે જણાવ્યું કે, જે દેશ તેમણે લગભગ બે વર્ષ પહેલાં છોડ્યો હતો, ત્યાં હવે ફરીથી પરત જવાની તેમની ઇચ્છા છે.

શેખ હસીનાનો દાવો, ‘જોખમ હોવા છતાં હું મારી ધરતી પર પરત ફરવા માગુ છું’

શેખ હસીનાએ આગળ કહ્યું કે, બાંગ્લાદેશ પરત ફર્યા બાદ કદાચ તેમની ધરપકડ થઈ શકે છે અથવા તેમના જીવને જોખમ પણ હોઈ શકે છે. તેમ છતાં તેમણે કહ્યું કે, “મારે પાછા જવું જ છે.” શેખ હસીનાએ જણાવ્યું કે, તેમની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકરોને ભારે મુશ્કેલીઓ અને દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, જો મોત આવવાનું હશે તો તેઓ ઈચ્છે છે કે તે તેમની પોતાની ધરતી પર આવે, જ્યાં તેમના માતા-પિતાને દફન કરવામાં આવ્યા છે અને જ્યાં તેમના પરિવારનો લોહી સાથેનો ઇતિહાસ જોડાયેલો છે
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં બાંગ્લાદેશમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શન બાદ તત્કાલીન વડા પ્રધાન શેખ હસીના પોતાનો દેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારબાદ બાંગ્લાદેશની યુદ્ધ અપરાધ અદાલતે નવેમ્બરમાં તેમને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. અદાલતે તેમના પર વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ થયેલા આંદોલનને દબાવવા માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવાનો આક્ષેપ લગાવ્યો હતો. જોકે, શેખ હસીનાએ ભારતમાંથી રહેતા આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.

શેખ હસીનાની વાપસીથી બાંગ્લાદેશનું રાજકારણ ફરી ગરમાય તેવી શક્યતા

શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો દેશના રાજકારણમાં ચાલી રહેલો મતભેદ વધુ વધી શકે છે. બે વર્ષથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા બાદ ઢાકાની સરકાર દેશમાં ફરી શાંતિ અને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, શેખ હસીનાની વાપસીથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવભર્યા સંબંધોમાં સુધારો થવાની શક્યતા પણ જોવા મળી રહી છે. શેખ હસીના ભારત આવ્યા બાદ બન્ને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો હતો. બાંગ્લાદેશે ઘણી વખત ભારત પાસે તેમને પરત મોકલવાની માગ કરી છે. આ પહેલીવાર છે જ્યારે શેખ હસીનાએ પોતાની વાપસી માટે કોઈ સમય નક્કી કર્યો છે અને અદાલત સમક્ષ હાજર થવાની યોજના પણ જણાવી છે. તેમણે કહ્યું કે, અવામી લીગના અન્ય દેશ છોડીને રહેલા નેતાઓ પણ તેમની સાથે પરત ફરશે. જોકે, શેખ હસીનાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, તેમણે પરત ફરવા કે નહીં તે અંગે કોઈ વિદેશી સરકારની સલાહ લીધી નથી. શેખ હસીના સાથે અવામી લીગના નેતા અને પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ પણ અદાલત સમક્ષ હાજર થશે. તેમના પર પણ મૃત્યુદંડનો કેસ ચાલી રહ્યો છે. અન્ય પક્ષના નેતાઓ હાલ ક્યાં છે તેની માહિતી પણ મળી શકી નથી.

શેખ હસીનાએ કહ્યું, ‘મને પરત લઈ જવા માગે છે, પણ હું મારી ઈચ્છાથી બાંગ્લાદેશ જઈશ’

શેખ હસીનાએ કહ્યું કે, ઢાકાના અધિકારીઓ મને પાછા લઈ જવા માગે છે અને મને પરત મોકલવા માટે તેઓ ભારતને વારંવાર પત્ર મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે, “હું મારી પોતાની ઈચ્છાથી બાંગ્લાદેશ પરત ફરીશ.” શેખ હસીનાના આ નિવેદન અંગે ટિપ્પણી માટે બાંગ્લાદેશ સરકારના પ્રવક્તાઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે પણ ટિપ્પણી કરવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

bangladesh sheikh hasina india news international news dhaka ministry of external affairs indian government