24 January, 2026 12:47 PM IST | Davos | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ઈરાની
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને BJPનાં નેતા સ્મૃતિ ઈરાની ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે એક મોટું નાણાકીય ભંડોળ ઊભું કરવાનું કામ કરી રહ્યાં છે. આ લક્ષ્ય તરફ તેમણે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF)ની બેઠકમાં માત્ર બે દિવસમાં બે મિલ્યન ડૉલર (આશરે ૧૮ કરોડ રૂપિયા)ની પ્રતિબદ્ધતાઓ ઊભી કરી હતી.
આ બેઠક સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં યોજાઈ રહી છે. પ્રસ્તાવિત ભંડોળ કુલ ૧૦૦ મિલ્યન ડૉલર હશે, જેનો ઉદ્દેશ દેશભરમાં મહિલાઓની માલિકીના આશરે ૧,૦૦,૦૦૦ નાના અને સૂક્ષ્મ વ્યવસાયોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
આ મુદ્દે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકાર હેઠળ મને ૨૦૨૪માં દાવોસમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની તક મળી. એ સમય દરમ્યાન વૈશ્વિક મંચ પર સ્ત્રી-પુરુષ સમાનતા અને આર્થિક ભાગીદારીનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો. દાવોસ જેવા વૈશ્વિક મંચ પર ભારત તરફથી એ સંદેશ આપવો મહત્ત્વપૂર્ણ છે કે મહિલા સશક્તીકરણ માત્ર એક સામાજિક મુદ્દો નથી પણ આર્થિક વિકાસ સાથે સીધો જોડાયેલો વિષય છે.’