03 September, 2025 09:29 AM IST | Sudan | Gujarati Mid-day Correspondent
સુદાનમાં મારા પર્વત પાસેના તારાસિન ગામમાં ઑગસ્ટના છેલ્લા દિવસોમાં ભારે વરસાદ પડ્યો હતો. એ પછી રવિવારે અચાનક ભૂસ્ખલન થતાં આખું ગામ એમાં દટાઈ ગયું હતું. આસપાસનાં ગામડાના લોકો એ તૂટેલાં ઘરોનો કાટમાળ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
સોમવારે મોડી રાત્રે સુદાનના પશ્ચિમ ડારફુર ક્ષેત્રમાં થયેલા મોટા ભૂસ્ખલનના કારણે એક આખું પર્વતીય ગામ ધરાશાયી થયું હતું. ૧૦૦૦થી વધુ લોકો એના કાટમાળમાં દટાઈ ગયા હતા અને જીવ ગુમાવ્યો હતો. આ વિસ્તાર પર નિયંત્રણ રાખતા એક બળવાખોર જૂથે કહ્યું હતું કે ગામમાં ફક્ત એક જ વ્યક્તિ બચી ગઈ હતી.
સુદાન લિબરેશન મૂવમેન્ટ/આર્મી (SLM)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘દિવસો સુધી ભારે વરસાદ પછી આ દુર્ઘટના બની હતી જેમાં મારા પર્વતોમાં આવેલું તારાસિન ગામ નકશા પરથી ભૂંસાઈ ગયું હતું. આ જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સહાય સંસ્થાઓને માટી અને કાટમાળ નીચે દટાયેલા મૃતકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે અપીલ કરી હતી.’