17 March, 2025 11:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોર ત્રણ દિવસ બાદ બુધવારે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી પૃથ્વી પર પાછાં ફરે એવી શક્યતા છે
ભારતીય મૂળનાં અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોર ત્રણ દિવસ બાદ બુધવારે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી પૃથ્વી પર પાછાં ફરે એવી શક્યતા છે. તેમને લાવવા માટે શુક્રવારે ઈલૉન મસ્કની કંપની સ્પેસએક્સનું રૉકેટ ફાલ્કન 9 લૉન્ચ થયું હતું અને ૨૮ કલાકની મુસાફરી બાદ ISS પહોંચ્યું હતું. આ મિશનને ક્રૂ-10 નામ આપવામાં આવ્યું છે. એમાં ચાર અવકાશયાત્રી ઍની મૅકક્લેન અને નિકોલ અયર્સ, જપાનના ટકુયા ઓનિશી અને રશિયાના કિરિલ પેસ્કોવનો સમાવેશ છે. ગઈ કાલે તેઓ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. એ સમયે સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. સુનીતા અને બચ વિલ્મોર વધારે ખુશ હતાં, કારણ કે આ મિશન રિટર્ન જર્નીમાં તેમને પૃથ્વી પર પાછાં લઈને આવશે. વેધર બરાબર રહેશે તો તેમની કૅપ્સ્યુલ અમેરિકાના ફ્લૉરિડામાં સમુદ્રતટે ઊતરે એવી શક્યતા છે.
સ્વાસ્થ્ય સંબંધિત ખતરા
સુનીતા અને બચ વિલ્મોર પાછાં ફરે ત્યારે તેમને સ્વાસ્થ્યસંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે એવી શક્યતા છે.
તેઓ નવ મહિનાથી અવકાશમાં છે અને આટલો સમય ત્યાં વિતાવ્યા બાદ તેમનાં પગનાં તળિયાં બાળક જેવાં નરમ થઈ ગયાં હશે જેને બેબી ફીટ કહેવામાં આવે છે. એને કારણે ચાલવું પીડાદાયક બની શકે છે. પૃથ્વી પર ચાલતી વખતે આપણા પગ ગુરુત્વાકર્ષણ અને ઘર્ષણના સ્વરૂપમાં ઘણા પ્રતિકારનો સામનો કરે છે જે તળિયાંની ચામડીને જાડી બનાવે છે. એ આપણને અસ્વસ્થતા અને પીડાથી બચાવે છે. જોકે અવકાશમાં ઘણો સમય વિતાવ્યા બાદ સખત ચામડી નીકળી જાય છે અને પગ કોમળ થઈ જાય છે. આ ઍસ્ટ્રોનૉટ્સને બે મહિના સુધી ચાલવામાં તકલીફ પડી શકે છે. ચાલવું તેમના માટે દુખદાયક બની શકે છે.
હાડકાંની ઘનતા અને મસલલૉસ
ઍસ્ટ્રોનૉટ્સ લાંબા સમય સુધી અવકાશમાં રહે તો તેમનાં હાડકાંની ઘનતા ઓછી થઈ જાય છે અને મસલ ઓછા થાય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં સામાન્ય લોકોને આ સમસ્યા થતી નથી, પણ અવકાશયાત્રીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ માટે બેઉ અવકાશયાત્રીઓને રીહૅબિલિટેશન પ્રોગ્રામમાં જોડાવું પડશે.
કાર્ડિયોવૅસ્ક્યુલર અને મગજનું સ્વાસ્થ્ય
લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી અવકાશયાત્રીના હાર્ટ, મગજ અને રુધિરાભિસરણ તંત્રને અસર પડે છે. મગજમાં વધારે ફ્લુઇડ જમા થવાથી ઓછું સંભળાય છે, ઓછું દેખાય છે અને મગજને અસર થાય છે. આને સ્પેસફ્લાઇટ અસોસિએટેડ ન્યુરો ઑક્યુલર સિન્ડ્રૉમ (SANS) તરીકે ઓળખવામાં આવે છે.
હાર્ટનો આકાર બદલાય
અવકાશમાં હાર્ટનો આકાર ઓવલ શેપમાંથી રાઉન્ડ શેપનો થઈ જાય છે. આના કારણે લોહીનું શરીરમાં ફરવાનું કાર્ય અસર પામે છે. લોહીનું પ્રમાણ ઘટે છે તેથી પૃથ્વી પર પાછા ફર્યા બાદ બ્લડ-પ્રેશર અસામાન્ય થાય છે, ચક્કર આવે છે અને ઊબકા આવવા અથવા બેહોશ થવું એમ થઈ શકે છે.