10 November, 2025 11:24 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફ
૬ અને ૭ નવેમ્બરે ઇસ્તાંબુલમાં યોજાયેલી પાકિસ્તાન અને તાલિબાન સરકાર વચ્ચેની શાંતિમંત્રણા કોઈ કરાર વિના સમાપ્ત થયા બાદ તાલિબાન પ્રશાસને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે કે તેઓ અમારી ધીરજની કસોટી ન કરે. આ સંદર્ભમાં અફઘાનિસ્તાનના આદિવાસી, સરહદ અને સ્વદેશી બાબતોના પ્રધાન નૂરલ્લાહ નૂરીએ એક સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘જો યુદ્ધ ફાટી નીકળશે તો અફઘાનિસ્તાનના વૃદ્ધો અને યુવાનો લડવા માટે ઊભા થશે. જો તનાવ વધશે તો પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંત દૂર નથી.’
નૂરીએ પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફને ચેતવણી આપી હતી કે તેઓ તેમના દેશની ટેક્નૉલૉજીમાં વધુ પડતો આત્મવિશ્વાસ ન રાખે અને તેમને અફઘાનિસ્તાનમાં અમેરિકા અને રશિયાના અનુભવોમાંથી શીખવાની વિનંતી કરી હતી.
અફઘાનિસ્તાને ઇસ્તાંબુલ મંત્રણા દરમ્યાન પાકિસ્તાન પર બેજવાબદાર અને અસહયોગી અભિગમ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તાલિબાનનો દાવો છે કે ઇસ્લામાબાદ બધી સુરક્ષા જવાબદારીનો ભાર કાબુલ પર ખસેડવા માગે છે, જ્યારે એનાં પોતાનાં કાર્યોની જવાબદારી ટાળે છે.
ટર્કીના ઇસ્તાંબુલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની શાંતિમંત્રણા નિષ્ફળ જતાં હવે ઈરાને આ બન્ને દેશો વચ્ચેનો વિવાદ ઉકેલવા માટે મદદ કરવાની રજૂઆત કરી છે.