21 November, 2025 08:26 PM IST | Dubai | Gujarati Mid-day Online Correspondent
તેજસ ઍર શો દરમિયાન ક્રૅશ થયું (તસવીર: એજન્સી)
દુબઈ ઍર શોમાં ભારતીય ફાઇટર જૅટ તેજસ ક્રૅશ (Tejas Fighter Jet Crash) થયું હોવાની દુઃખદ ઘટના બની હતી. ભારતીય સમય મુજબ બપોરે 3:49 વાગ્યે તેજસ ક્રૅશ થયું હતું. દુબઈ ઍર શોમાં ઘણા ભારતીય ફાઇટર જૅટ પોતાની પરાક્રમીતાનું પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ગઈ કાલે ઍર શોમાં સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ હાજર રહ્યા હતા, આ સાથે તેમણે તેજસ વિમાનમાં ઉડાન પણ ભરી હતી. તેમ જ મંત્રીએ તેજસની પ્રશંસા કરતી એક કવિતા પણ લખી હતી, ક્રૅશની ઘટના બાદ હવે તેમની આ મુલાકાત ચર્ચામાં આવી છે.
સંજય સેઠે તેજસની પ્રશંસામાં આ વાતો કહી હતી
ફાઇટર જૅટની સવારી કર્યા પછી, સંજય સેઠે તેજસ વિમાનની પ્રશંસા કરતી એક કવિતા લખી હતી. પોતાના ઍક્સ હૅન્ડલ પર, તેમણે કહ્યું કે “તેજસ ફક્ત ભારતીય સેનાનો યોદ્ધા નથી, તે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે. સમુદ્રમાં તહેનાત INS વિક્રાંત પર તેજસ જેટલી સરળતાથી ઉતરે છે, તે જ સરળતાથી તેજસ આકાશી સરહદોની ઊંચાઈઓ સમાન ચપળતાથી સર કરે છે. તેજસ તેના નામના સાચા અર્થ સાથે ત્રણેય સરહદો પાણી, જમીન અને આકાશનું રક્ષણ કરે છે. ગતિમાં ઝડપી, શક્તિમાં ઝડપી; તેના દુશ્મનો કરતાં ઝડપી, આપણું તેજસ સૌથી ઝડપી છે. આવા તેજસને નજીકથી જોવા અને તેની વિશેષતાઓનો અનુભવ કરવા માટે; મારા માટે પણ આ ગર્વની ક્ષણ હતી.” સંરક્ષણ રાજ્યમંત્રીએ એમ પણ લખ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં, તેજસનું ઉત્પાદન હવે આપણા દેશમાં શરૂ થયું છે જે આનંદદાયક છે. ભારત માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર જ નથી બની રહ્યું પરંતુ નિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.”
સંરક્ષણ રાજ્યમંત્રીએ તેજસ માટે આ કવિતા લખી:
"તેજસ, તું ભારતનો ગૌરવ છે,
વાદળી આકાશમાં ઉડાન ભરનાર, હવાનો અજાયબી.
તું ગતિનું પ્રતીક છે,
દરેક અવરોધને તોડી નાખનાર, અદમ્ય, એક."
એ બાબત નોંધવા જેવી છે કે આજે દુબઈ ઍર શોમાં (Tejas Fighter Jet Crash) હવાઈ પ્રદર્શન દરમિયાન IAFનું તેજસ વિમાન ક્રૅશ થયું હતું. પાયલોટને જીવલેણ ઈજાઓ થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. આ દુઃખની ઘડીમાં ભારતીય વાયુસેના શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભી છે. અકસ્માતનું કારણ નક્કી કરવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ, પરિસરમાં કાળો ધુમાડો સતત ઉપર ઊડતો જોવા મળ્યો અને અને ભીડમાં હાજર લોકો આ બધું જોઈને ચોંકી ગયા. આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જમીન પર આગની જ્વાળાઓ અને કાળો ધુમાડો દેખાય છે. ક્રેશનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.