22 November, 2025 09:17 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એજન્સી
દુબઈના ઍર-શોમાં શુક્રવારે LAC તેજસ ઍરક્રાફ્ટ ક્રૅશ થઈ ગયું હતું. છેલ્લા ૪ દિવસથી તેજસ ઍરક્રાફ્ટ દુબઈ ઍર-શોમાં કરતબો દેખાડી રહ્યું હતું. જોકે શુક્રવારે એ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને ક્રૅશ થઈને આગના ગોળામાં તબદીલ થઈને પડ્યું હતું. ગઈ કાલે બપોરે ૨.૧૦ વાગ્યે તેજસ જેટ અકસ્માતનો ભોગ બન્યું ત્યારે ઍર-શો જોવા માટે સેંકડો લોકો ત્યાં હાજર હતા. દુર્ઘટના પછી અૅરપોર્ટ પર ધુમાડાના કાળા ગોટા છવાઈ ગયા હતા.
આ ઘટના સમયે ત્યાં હાજર ભારતીય પ્રવાસી શાઝુદ્દીન જબ્બારે કહ્યું હતું કે ‘જેટ નીચે પડવાનું શરૂ થયું ત્યારે પાઇલટે કોશિશ કરી કે એ જ્યાં દર્શકો છે એ તરફ ન જાય. દર્શકોને બચાવવા માટે પાઇલટ ઍરક્રાફ્ટને બીજી તરફ દોરી ગયો હતો. જે રીતે નીચે પડતી વખતે ઍરક્રાફ્ટ બીજી તરફ ફંટાયું એ પરથી મને વિશ્વાસ છે કે પાઇલટે લોકોને બચાવવા માટે આ પ્રયાસ કર્યો, પરંતુ એને કારણે તેને પોતાને બચવાનો સમય નહીં મળ્યો હોય.’
ઇન્ડિયન ઍરફોર્સે દુબઈ ઍર-શોમાં એરિયલ ડિસ્પ્લે દરમ્યાન IAF તેજસના પાઇલટનું મૃત્યુ થયું હોવાનું કન્ફર્મ કર્યું હતું. આ બીજી ઘટના છે જેમાં ફાઇટર જેટ તેજસ ક્રૅશ થયું હોય. આ પહેલાં ગયા વર્ષે માર્ચ મહિનામાં જેસલમેર પાસે તેજસ ક્રૅશ થયું હતું. એ વખતે એ ઑપરેશનલ ટ્રેઇનિંગ ફ્લાઇટ પર હતું.