ઇઝરાયલમાં સતત થઈ રહેલા બૉમ્બિંગને કારણે તેલંગણના રહેવાસીને જીવલેણ હાર્ટ-અટૅક આવી ગયો

20 June, 2025 09:29 AM IST  |  Jerusalem | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલમાં થઈ રહેલા સતત બૉમ્બિંગને કારણે ૧૫ જૂને ભારતના તેલંગણ રાજ્યના જગતિયાલ જિલ્લાના રહેવાસી રવીન્દ્રને એકાએક હાર્ટ-અટૅક આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધના પગલે ઇઝરાયલમાં થઈ રહેલા સતત બૉમ્બિંગને કારણે ૧૫ જૂને ભારતના તેલંગણ રાજ્યના જગતિયાલ જિલ્લાના રહેવાસી રવીન્દ્રને એકાએક હાર્ટ-અટૅક આવ્યો હતો અને તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. રવીન્દ્ર વિઝિટ-વીઝા પર પાર્ટ-ટાઇમ કામ કરી રહ્યો હતો. તેને જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં બૉમ્બવિસ્ફોટ થયો હતો. મીડિયા સાથે વાત કરતાં તેની પત્ની આર. વિજયાલક્ષ્મીએ ખુલાસો કર્યો કે ‘તેઓ પરિસ્થિતિથી ગભરાઈ ગયા હતા. તેમણે અમને કહ્યું કે તેઓ પોતાનો જીવ ગુમાવી શકે છે. અમે તેમને સાંત્વન આપવાનો પ્રયાસ કર્યો કે તેમને કંઈ નહીં થાય.’

પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પરિવારની દુર્દશા પર પ્રકાશ પાડતાં વિજયાલક્ષ્મીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેને તેમના પતિના મૃતદેહને ભારત લાવવામાં મદદ માગી હતી અને તેમનાં બાળકોને નોકરી શોધવામાં પણ મદદ માગી હતી. તેમણે કહ્યું હતું કે હું સરકારને મારા પતિના મૃતદેહને પાછો લાવવા અને મારાં બાળકોને નોકરીમાં મદદ કરવા અપીલ કરું છું.

israel iran jerusalem telangana heart attack news international news world news