કરાચીમાં સેનાના કમ્પાઉન્ડ પર આતંકી હુમલો ઃ ૪ જવાનનાં મોત; ૬ આતંકવાદીઓ ઠાર, ૧ આતંકી જીવતો ઝડપાયો

29 June, 2026 11:15 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના આર્થિક પાટનગર કરાચીમાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ સિંધ રેન્જર્સના મુખ્યાલય પર એક મોટો અને ઘાતક હુમલો કર્યો હતો

કરાચીમાં આતંકવાદીઓએ સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાનના આર્થિક પાટનગર કરાચીમાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ સિંધ રેન્જર્સના મુખ્યાલય પર એક મોટો અને ઘાતક હુમલો કર્યો હતો. કરાચીના ગીચ વસ્તીવાળા વિસ્તાર ગુલિસ્તાન-એ-જૌહરમાં આવેલા ભિટ્ટાઈ વિંગના કમ્પાઉન્ડમાં ઘૂસેલા આતંકીઓ સામે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. લગભગ ૯૦ મિનિટ સુધી ચાલેલા આ ભયાનક ગોળીબારમાં સુરક્ષા દળોએ ૬ આતંકીઓને ઠાર કર્યા છે, જ્યારે એક ઘાયલ આતંકીને જીવતો પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જોકે આ ભીષણ અથડામણમાં પૅરામિલિટરી ફોર્સના ૪ જવાનોનાં મોત થયાં છે.

આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકી જૂથ જમાત-ઉલ-અહરારે લીધી છે. પ્રાથમિક તપાસ અનુસાર આતંકીઓએ પહેલાં વિસ્ફોટકોથી ભરેલી એક કાર કમ્પાઉન્ડના મુખ્ય ગેટ સાથે જોરદાર ધડાકા સાથે અથડાવી હતી અને ત્યાર બાદ અંદર ઘૂસીને હૅન્ડગ્રેનેડ ફેંકીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. સ્થિતિ ગંભીર બનતાં રેન્જર્સની મદદે તાત્કાલિક સ્પેશ્યલ સિક્યૉરિટી યુનિટ (SSU)ના કમાન્ડો અને ઍન્ટી-ટેરરિસ્ટ ફોર્સ (ATF)ની ટીમોને મેદાને ઉતારવામાં આવી હતી, જેમણે આખા વિસ્તારને કૉર્ડન કરીને આતંકીઓનો સફાયો કર્યો હતો.

international news world news pakistan karachi terror attack