13 November, 2025 09:53 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ડૉ. ઝફર હયાત
દિલ્હી બૉમ્બવિસ્ફોટ કેસમાં પકડાયેલી ડૉ. શાહીન શાહિદનું કાનપુર કનેક્શન બહાર આવ્યું છે. કાનપુર મેડિકલ કૉલેજમાં ડૉક્ટર તરીકે કામ કરતી વખતે શાહીન કાનપુરની KPM હૉસ્પિટલમાં પોસ્ટ કરાયેલા ડૉ. ઝફર હયાતને મળી હતી અને તેમણે ૨૦૦૩માં નિકાહ કર્યા હતા. ડૉ. ઝફર મૂળ મહારાષ્ટ્રના છે, પરંતુ કામસર કાનપુરમાં રહેતા હતા. જોકે ૧૦ વર્ષ બાદ ૨૦૧૩માં બેઉ એકબીજાથી અલગ થઈ ગયાં હતાં. તેમને બે બાળકો પણ થયાં હતાં જે હાલમાં ડૉ. ઝફર હયાત સાથે રહે છે.
ઑસ્ટ્રેલિયા જવું હતું
ડૉ. ઝફર હયાતે જણાવ્યું હતું કે ડૉ. શાહીન ઑસ્ટ્રેલિયા જવા માગતી હતી, પરંતુ મેં ના પાડી એટલે અમે છૂટાં પડી ગયાં હતાં અને બન્ને બાળકો ડૉ. ઝફર સાથે રહ્યાં હતાં. ડૉ. શાહીને જ્યારે તેના પતિને છોડી દીધો ત્યારે બાળકો ખૂબ નાનાં હતાં. ત્યારથી ડૉ. ઝફરે તેનો સંપર્ક કર્યો નથી. ડૉ. ઝફર હયાતે કહ્યું હતું કે ‘હું લાંબા સમયથી તેના સંપર્કમાં નથી. મને ખબર નથી કે તે ક્યાં છે અથવા શું કરી રહી છે. ગઈ કાલે રાત્રે મને પણ ખબર પડી કે તેના આતંકવાદી સંબંધો છે.’
કૉલેજમાંથી કાઢી મુકાઈ
તલાક બાદ ડૉ. શાહીન ક્યાં જતી રહી એની કોઈને ખબર નથી. ૨૦૨૧માં તેની સતત ગેરહાજરીને કારણે તેને મેડિકલ કૉલેજમાંથી પ્રતિબંધિત કરવામાં આવી હતી.
મુઝમ્મિલ સાથે અફેર
ડૉ. શાહીન અને ઝફર હયાતનાં લગ્ન લાંબા સમય સુધી ટક્યાં નહોતાં અને તેઓ અલગ થઈ ગયાં હતાં. છૂટાં થવાનું એક કારણ ડૉ. શાહીનનું ડૉ. મુઝમ્મિલ સાથેનું અફેર પણ હોઈ શકે છે. છૂટાછેડા પછી ડૉ. શાહીન મુઝમ્મિલની નજીક રહી શકાય એ માટે હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં જોડાઈ હતી, જ્યાં ડૉ. મુઝમ્મિલ પણ કામ કરતો હતો. શક્ય છે કે આ સમય દરમ્યાન ડૉ. શાહીન કોઈ ચોક્કસ વિચારધારાના પ્રભાવ હેઠળ આવી હોઈ શકે.
છેલ્લા કેટલાક સમયથી ડૉ. શાહીન શાહિદ આતંકવાદીઓના મહિલા જૂથની બૉસ તરીકે કાર્યરત છે અને મહિલાઓને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવાનું કામ કરી રહી છે. શાહીનના પિતાએ જણાવ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી લખનઉ તેમને મળવા આવી નહોતી અને તેમની છેલ્લી વાતચીત લગભગ એક મહિના પહેલાં થઈ હતી.
આતંકવાદી ભાઈ-બહેનનું રહસ્ય હવે ખૂલશે
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઉત્તર પ્રદેશની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ની સંયુક્ત ટીમે મંગળવારે ડૉ. શાહીન અને તેના ભાઈ ડૉ. પરવેઝ અન્સારીના લખનઉ નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ટીમે લૅપટૉપ, મોબાઇલ ફોન અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તપાસ એજન્સીઓ હવે વધુ તપાસને માર્ગદર્શન આપવા માટે જપ્ત કરાયેલાં ડિજિટલ ઉપકરણોમાંથી ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહીન અને પરવેઝનાં નામ એક ચૅટબૉટ જૂથ સાથે જોડાયેલાં છે જે આતંકવાદી કાવતરાઓની ચર્ચા કરતું હતું. ગઈ કાલે ATSએ લખનઉમાં તેના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. ઘરની અંદર હાજર ડૉ. શાહીનના ભાઈ મોહમ્મદ શોએબે કહ્યું હતું કે ‘અમને સમજાતું નથી કે શાહીન અને પરવેઝનાં નામ આટલા ગંભીર કેસમાં કેવી રીતે આવ્યાં છે. જો તેઓ દોષી હોય તો તેમને સજા થવી જોઈએ, પરંતુ તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ.’