30 June, 2025 08:12 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ટેસ્લાની પહેલવહેલી કાર સેલ્ફ-ડ્રાઇવ થઈને કસ્ટમરના ઘરે જઈને પાર્કિંગમાં ગોઠવાઈ ગઈ
ઈલૉન મસ્કની ડ્રાઇવરલેસ ટેસ્લા કારે તાજેતરમાં એક નવો માઇલસ્ટોન સર કર્યો છે. અત્યાર સુધી આ ઇલેક્ટ્રિક કાર સેલ્ફ-ડ્રાઇવિંગ માટે તો જાણીતી હતી જ, પણ ટેસ્લાનું Y મૉડલ હવે ગ્રાહકને ડિલિવર કરવા માટે ડિલિવરી-એક્ઝિક્યુટિવની પણ જરૂર નથી રહી. ટેસ્લાના CEO ઈલૉન મસ્કે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને ટેસ્લાની એક નવી અચીવમેન્ટ શૅર કરી હતી. ટેસ્લાનું Y મૉડલ ટેક્સસમાં આવેલી ફૅક્ટરીમાંથી નીકળીને ૩૦ મિનિટનું ડ્રાઇવ કરીને હાઇવેઝ, ઇન્ટર્સેક્શન્સ, ટ્રાફિક સિગ્નલ્સ અને શહેરની ગલીઓમાંથી પસાર થઈને કસ્ટરમરને ત્યાં પહોંચી ગઈ હતી. ઈલૉન મસ્કે લખ્યું હતું કે ‘ટેસ્લાના Y મૉડલની ફૅક્ટરીથી કસ્ટમરના ઘર સુધી પહેલવહેલી વાર ફુલી ઑટૉનમસ ડિલિવરી થઈ. ડિલિવરી દરમ્યાન કોઈ માણસ કારમાં નહોતો એટલું જ નહીં, એને રિમોટલી પણ ઑપરેટ કરવામાં નહોતી આવી, સંપૂર્ણપણે ઑટૉનમસ. એ પણ નિર્ધારિત શેડ્યુલના એક દિવસ પહેલાં.’
ટેસ્લાએ ત્રણ મિનિટનો ટાઇમ-લૅપ્સ વિડિયો શૅર કર્યો હતો, જેમાં કાર કઈ રીતે ફૅક્ટરીમાંથી નીકળીને હાઇવે અને ગલીઓમાં થઈને કસ્ટમરના ઘરના પાર્કિંગ-પ્લૉટમાં જઈને જાતે ગોઠવાઈ ગઈ હતી એ જોઈ શકાય છે.