28 August, 2026 06:18 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન નાનાં બાળકોને કમ્ફર્ટ કરી રહેલા આર્મીના મેડિકલ ઑફિસરો.
નેપાલમાં આવેલા વિનાશક પૂર પાછળનું સાચું કારણ હવે સામે આવ્યું છે. સૅટેલાઇટ તસવીરો અને યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે (USGS)ના ડેટા મુજબ આ જળપ્રલય કોઈ ભૂકંપ કે ગ્લેશિયર સરોવર ફાટવાના કારણે નહીં પરંતુ નેપાલ અને તિબેટ સરહદે આવેલી લિરુંગ ગ્લેશિયર તૂટવાથી આવ્યો હતો.
શરૂઆતમાં ધરતીમાં થયેલા કંપનને કારણે ભૂકંપની આશંકા સેવાતી હતી, પરંતુ USGSએ સ્પષ્ટ કર્યું છે કે આ કંપન હિમનદી (ગ્લેશિયર)નો મોટો હિસ્સો એક કિલોમીટર નીચે ખાબકવાને કારણે નોંધાયું હતું. ગ્લેશિયર તૂટતાં બરફ અને પથ્થરનો કાટમાળ નદીમાં પડ્યો હતો. પરિણામે નદીનું સ્વરૂપ એટલું રૌદ્ર બની ગયું કે ૧૦૦ મીટરની નદી ૫૪૯ મીટર સુધી ફેલાઈ ગઈ અને કિનારાનાં અનેક શહેરો તબાહ થઈ ગયાં.
ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટન ડેવલપમેન્ટ (ICIMOD)ના જણાવ્યા અનુસાર ખતરો હજી ટળ્યો નથી. ઉપરવાસમાં હજી પણ કાટમાળ જમા છે જે અચાનક તૂટશે તો નીચેના વિસ્તારોમાં ફરી ભયંકર પૂર આવી શકે છે. હિમાલયમાં વધતું તાપમાન અને પીગળતો બરફ માત્ર નેપાલ નહીં, ભારત માટે પણ સૌથી મોટી ખતરાની ઘંટી સમાન છે.