12 November, 2026 07:26 AM IST | Europe | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૦માં વિશ્વભરમાં વિનાશ મચાવ્યા પછી કોરોનાવાઇરસનો એક નવો પ્રકાર PJ.2.1 ચર્ચામાં આવ્યો છે. આ નવો પ્રકાર નૉર્થ અમેરિકા અને વિશ્વના અન્ય ભાગોમાં ફેલાવા લાગ્યો છે. ૨૦૨૬ના મે મહિનાની બીજી તારીખે આ વાઇરસ કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં સૌપ્રથમ ઓળખાયો હતો. SARS-CoV-2નો આ નવો પ્રકાર પાછળથી અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇઝરાયલ, ફ્રાન્સ અને સ્પેનના કેટલાક ભાગોમાં મળી આવ્યો હતો. એના ફેલાવવાથી સવાલો ઊભા થયા છે કે શું આ વાઇરસના ચેપની લહેર આવી શકે છે કે નહીં? શું હાલની રોગપ્રતિકારક શક્તિ આ વાઇરસ સામે રક્ષણ આપવા માટે પૂરતી છે?
કોવિડ-19ના આ નવા વાઇરસનાં લક્ષણો સામાન્ય ફ્લુ જેવાં જ છે જેમાં શરદી, માથાનો દુખાવો, તાવ, બંધ નાક, ગળામાં દુખાવો, થાક, સ્નાયુઓમાં દુખાવો અને પેટની સમસ્યાઓ જેવી બાબતોનો સમાવેશ છે. એના ફેલાવાનું મુખ્ય કારણ છીંક અને ખાંસી ખાતી વખતે બહાર આવતા પ્રવાહીનાં ટીપાં છે, જેના દ્વારા એ બીજી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. આ વાઇરસ સામે નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોએ ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે.