28 April, 2025 07:37 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
માઇક્રોસ્કોપમાં સ્પર્મની ગતિને જાયન્ટ સ્ક્રીન પર આ રીતે દેખાડવામાં આવી હતી.
પુરુષોની પ્રજનનક્ષમતા અને સ્પર્મની ઘટતી જતી ગુણવત્તા બાબતે જાગૃતિ લાવવા માટે ગયા અઠવાડિયે અમેરિકાના લૉસ ઍન્જલસના હૉલીવુડ પલેડિયમમાં લાઇવ સ્પર્મ રેસનું આયોજન કરવામાં આવેલું. સાંભળવામાં અતિ વિચિત્ર લાગે એવી આ ઇવેન્ટની જ્યારે જાહેરાત થઈ ત્યારે અનેક સવાલો હતા કે અત્યંત અંગત જીવનને લગતી આ વાત કઈ રીતે જાહેરમાં પ્રસારિત થશે. જોકે શુક્રવારે પચીસ એપ્રિલે આ ઇવેન્ટનું આયોજન થયું ત્યારે હજારો યુવાનો એ લાઇવ રેસ જોવા એકઠા થયા હતા. સ્ત્રીના પ્રજનનમાર્ગ જેવો જ વીસ સેન્ટિમીટર જેટલો લાંબો ટ્રૅક તૈયાર કરીને એમાં બે પુરુષોના સ્પર્મ છોડવામાં આવ્યા હતા. બે કૉલેજ-સ્ટુડન્ટ વચ્ચે આ રેસ થઈ હતી.
યુનિવર્સિટી ઑફ સાઉથ કૅલિફૉર્નિયાના USCના વીસ વર્ષના ટ્રિસ્ટન અને યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા લૉસ ઍન્જલસના UCLAના ૧૯ વર્ષના ઍશ્નર વચ્ચે આ સ્પર્ધા થઈ હતી. બન્નેના સ્પર્મ વચ્ચે ત્રણ વાર રેસ થઈ હતી અને એમાં ટ્રિસ્ટન જીત્યો હતો. તેને ફર્સ્ટ સ્પર્મ રેસનો વિનર જાહેર કરીને ગોલ્ડન રંગની સ્પર્મના આકારની ટ્રોફી અને ૧૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૮.૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યાં હતાં.