પહેલી વાર જ અમેરિકાએ અંતરિક્ષમાં હથિયારો તહેનાત કર્યાં હોવાનું સ્વીકાર્યું

16 September, 2026 03:38 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સ્પેસ ફોર્સ દ્વારા રશિયા અને ચીનના સંભવિત ખતરાને પહોંચી વળવા ઑર્બિટમાં હથિયારો મુકાયાં

પ્રતીકાત્મક તસવીર

અંતરિક્ષમાં લશ્કરી વર્ચસ્વ જમાવવાની રેસ વચ્ચે અમેરિકાએ પહેલી વાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે અેણે ઑર્બિટમાં હથિયારો તહેનાત કર્યાં છે. અમેરિકાની સ્પેસ ફોર્સના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે અમેરિકન દળો સામેના કોઈ પણ પ્રતિકૂળ હુમલાનો સામનો કરવા માટે ઑર્બિટમાં શસ્ત્રો ગોઠવવામાં આવ્યાં છે. જોકે તેમણે આ હથિયારોની ચોક્કસ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. સ્પેસ ફોર્સના જણાવ્યા અનુસાર આ હથિયારોનો ઉપયોગ આક્રમક અને રક્ષણાત્મક એમ બન્ને હેતુઓ માટે થઈ શકે છે.
અમેરિકાની સ્પેસ ફોર્સ ચીન અને રશિયાને પોતાના સૌથી મોટા હરીફ અને અંતરિક્ષમાં અમેરિકન હિતો માટે સંભવિત ખતરો માને છે. સ્પેસ ફોર્સના મતે ચીન અેની લશ્કરી આધુનિકીકરણની વ્યૂહરચનાના ભાગરૂપે અંતરિક્ષ ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે, જ્યારે રશિયા અંતરિક્ષને ભવિષ્યના યુદ્ધ માટેનું નિર્ણાયક માધ્યમ માને છે.
નોંધનીય છે કે ૧૯૫૭માં સ્પુટનિકના લૉન્ચ સાથે જ અંતરિક્ષમાં લશ્કરીકરણની શરૂઆત થઈ ગઈ હતી. ૧૯૬૭ની આઉટર સ્પેસ સંધિ હેઠળ અંતરિક્ષમાં સામૂહિક વિનાશનાં હથિયારો મૂકવા પર પ્રતિબંધ છે છતાં રશિયા, અમેરિકા, ચીન અને ભારત જેવા દેશો આ સંધિની મર્યાદાની બહાર રહીને દુશ્મન દેશના સૅટેલાઇટને નિશાન બનાવવા જેવી લશ્કરી ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે. 

united states of america world news international news donald trump news