બંગલાદેશની વચગાળાની સરકારના મુખિયા મોહમ્મદ યુનુસ પણ હવે સખણા નથી રહેતા

28 October, 2025 11:14 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના જનરલને ભેટ આપેલા નકશામાં પૂર્વોત્તર ભારતને બંગલાદેશનો હિસ્સો બતાવ્યો

પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝાને‌ વિવાદિત પુસ્તક ભેટ આપતા મોહમ્મદ યુનુસ.

વિવાદિત મૅપવાળું પુસ્તક યુનુસ આ પહેલાં ૧૨ દેશોના નેતાઓને ગિફ્ટ કરી ચૂક્યા છે

બંગલાદેશની મુલાકાતે ગયેલા પાકિસ્તાની આર્મીના સિનિયર ઑફિસર જનરલ સાહિર શમશાદ મિર્ઝાની યાત્રા વિવાદમાં સપડાઈ છે. સાહિર શમશાદ મિર્ઝા પાકિસ્તાની સેનામાં આસિમ મુનીર પછી બીજા નંબરના સૌથી પાવરફુલ અધિકારી છે. કહેવાય છે કે મુનીર પછી મિર્ઝા જ પાકિસ્તાની સેનાના પ્રમુખ બનશે. ઢાકામાં બંગલાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને તેઓ શનિવારે મોડી રાતે મળ્યા હતા. એ મુલાકાત દરમ્યાન યુનુસે જનરલ મિર્ઝાને એક પુસ્તક ભેટ કર્યું હતું. આર્ટ ઑફ ટ્રાયમ્ફ નામની આ બુકના કવર પર છપાયેલો નકશો ખોટો છે. એમાં ભારતનાં પૂર્વોત્તર રાજ્યોને બંગલાદેશનો હિસ્સો દેખાડવામાં આવ્યાં છે. આ પુસ્તકમાં બંગલાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં સ્ટુડન્ટ્સના આંદોલન દરમ્યાન બનેલાં ભીંતચિત્રો છે. આ પુસ્તક ગયા વર્ષે બંગલાદેશના પ્રમુખ સલાહકાર તરીકે મોહમ્મદ યુનુસે જ બહાર પાડ્યું હતું. જોકે હજી આ પુસ્તક વેચાણ માટે કે પબ્લિકને જોવા માટે ઉપલબ્ધ નથી. આ પુસ્તક યુનુસે ગયા વર્ષે કૅનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને પણ આપ્યું હતું. ઢાકા ટ્રિબ્યુનના કહેવા મુજબ આ પુસ્તક અત્યાર સુધીમાં બારથી વધુ વિદેશી નેતાઓ અને અધિકારીઓને ગિફ્ટ આપવામાં આવ્યું છે. 
ઢાકામાં સત્તા સંભાળ્યા પછી મોહમ્મદ યુનુસે સતત પોતાનો ભારતવિરોધી ચહેરો દેખાડવામાં કોઈ કસર નથી રાખી. ભૂતકાળમાં પણ તેમણે ભારતનાં પૂર્વોત્તર રાજ્યોને બંગલાદેશથી ઘેરાયેલાં હોવાનું કહીને ભારતને ‌ધમકાવવાની કોશિશ કરી છે.

international news world news bangladesh pakistan