02 January, 2026 09:10 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
સાનેઈ તકાઇચી
જપાનનાં વડાં પ્રધાન સાનેઈ તકાઇચીએ સંસદમાં મહિલાઓ માટે વધુ ટૉઇલેટ હોવાં જોઈએ એવી ડિમાન્ડ કરવી પડી છે. તેમની આ અરજીમાં અન્ય ૬૦ મહિલા સંસદસભ્યો પણ જોડાયાં છે. વડાં પ્રધાને અરજીમાં કહ્યું છે કે ‘સંસદમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે, પણ એ મુજબની સુવિધાઓ અમને નથી મળી રહી. સંસદના નીચલા સદનમાં ૭૩ મહિલાઓ છે, પરંતુ તેમના માટે માત્ર એક જ ટૉઇલેટ છે. ’
આ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ બન્નેનાં મહિલા સભ્યો એક થઈ ગયાં છે. વિપક્ષનાં નેતાએ પણ કહ્યું હતું કે સંસદ સત્ર દરમ્યાન મહિલા સંસદસભ્યોએ ટૉઇલેટની બહાર લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે.
સવાલ એ થાય કે આટલા સુશિક્ષિત અને આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ દેશના સંસદ પરિસરમાં મહિલાઓ માટે ટૉઇલેટ કેમ નહીં હોય? તો જવાબ એ છે કે જપાનનું સંસદનું બિલ્ડિંગ ૧૯૩૬માં બન્યું હતું. એ વખતે દેશમાં મહિલાઓ સંસદમાં હોય એ વિચાર તો દૂર જ હતો, મહિલાઓને વોટ આપવાનો અધિકાર પણ નહોતો. બીજા વિશ્વયુદ્ધમાં જપાનની હાર પછી ૧૯૪૫માં મહિલાઓને પહેલી વાર મત આપવાનો અધિકાર મળ્યો અને એક વર્ષ પછી ૧૯૪૬માં ચૂંટણીમાં પ્રથમ મહિલા સંસદસભ્ય ચૂંટાઈને આવ્યાં હતાં. આ જ કારણોસર જ્યાં સંસદની કાર્યવાહી થાય છે એ ફ્લોર પર મહિલાઓ માટે માત્ર એક જ ટૉઇલેટ છે એટલે મહિલાઓએ કાં તો લાઇનમાં ઊભા રહેવું પડે કાં સંસદભવનના બિલ્ડિંગના બીજા હિસ્સામાં જવું પડે છે.
જેન્ડર-ગૅપ રિપોર્ટમાં જપાન ૧૧૮મા નંબરે
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના ગ્લોબલ જેન્ડર-ગૅપ રિપોર્ટમાં જપાનનું સ્થાન ૧૪૮ દેશોમાંથી ૧૧૮મા નંબરે છે. અહીં બિઝનેસ અને મીડિયામાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ ઓછી છે.