27 August, 2025 12:03 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
એક આશ્ચર્યજનક નિર્ણયમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા ૬ લાખ ચીની વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી આપશે. ટ્રમ્પના આ પગલાથી ચીનના સામ્યવાદી પક્ષ અથવા સંવેદનશીલ રિસર્ચ સાથે જોડાયેલા ચીની નાગરિકોને લક્ષ્ય બનાવતા તેમના અગાઉના વીઝા-પ્રતિબંધોને ઊલટાવી દેવામાં આવ્યા છે. ટ્રમ્પના નિર્ણયથી ૬ લાખ ચીની વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની મંજૂરી મળી ગઈ છે. ટ્રમ્પ બીજા દેશોના વિદ્યાર્થીઓ સામે કડક વલણ અપનાવે છે, પણ ચીન સામે તેમણે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હોય એવું આ નિર્ણયથી લાગે છે.
ટ્રમ્પના આ નિર્ણયથી મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA)ના સમર્થકોમાં પણ ટ્રમ્પવિરોધી મોજું ફરી વળ્યું છે. ટ્રમ્પના નિર્ણય સામે દેશમાં વિરોધના અવાજો ઊઠવા લાગ્યા છે. આ વિરોધ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સમર્થકો માને છે કે ટ્રમ્પે તેમની સાથે દગો કર્યો છે અને અમેરિકા ફર્સ્ટની નીતિને બાજુ પર રાખી છે. MAGA સમર્થક લૉરા લૂમરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા કરી હતી અને ચીની વિદ્યાર્થીઓને CCP (ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી)ના જાસૂસો કહ્યા હતા.
ચીન પર ૨૦૦ ટકા ટૅરિફ લાદવાની ટ્રમ્પની ધમકી
ભારત માટે ૫૦ ટકા ટૅરિફ ધમકીની અંતિમ તારીખ પૂરી થાય એના એક દિવસ પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે ચીન સાથેના તેમના સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આપણે ચીન સાથે સારા સંબંધો રાખવા જઈ રહ્યા છીએ. તેમની પાસે કેટલાંક કાર્ડ છે. અમારી પાસે અદ્ભુત કાર્ડ છે, પરંતુ હું એ કાર્ડ રમવા માગતો નથી. જો હું એ કાર્ડ રમીશ તો એ ચીનનો નાશ કરશે. હું એ કાર્ડ રમવાનો નથી.’
ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે જો ચીન અમેરિકાને રૅર અર્થ મૅગ્નેટ નહીં આપે તો ૨૦૦ ટકા ટૅરિફ લાદવામાં આવશે. વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં ટ્રમ્પે જ્યારે ઉપરોક્ત વાત કરી ત્યારે સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ લી જે મ્યુંગ તેમની બાજુમાં બેઠા હતા.
જો ચીન અમેરિકાને મૅગ્નેટ નહીં આપે તો અમેરિકા ચીન પર ૨૦૦ ટકા ટૅરિફ લાદશે. રૅર અર્થ મૅગ્નેટ ઑટોમોટિવ, ઇલેક્ટ્રૉનિક્સ અને સંરક્ષણ ઉદ્યોગો માટે જરૂરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે ‘તેમણે અમને મૅગ્નેટ આપવાં પડશે. જો તેઓ અમને મૅગ્નેટ નહીં આપે તો આપણે એમની પાસેથી ૨૦૦ ટકા ટૅરિફ અથવા કંઈક વસૂલવું પડશે.’