11 April, 2025 08:12 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
AI ઇમેજ.
ડોનલ્ડ ટ્રમ્પ ક્યારે શું આદેશ આપી દે છે એની કોઈને જાણ નથી હોતી. હાલમાં અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં ભલે ગ્લોબલ ટ્રેડ વૉર અને ટૅરિફને લઈને હોબાળો મચી ગયો હોય પરંતુ ટ્રમ્પના એજન્ડામાં શાવરમાંથી આવતા પાણીના ફોર્સનો મુદ્દો પણ સામેલ છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જો બાઇડનના કાર્યકાળમાં લાગુ કરાયેલા શાવર પર પ્રતિબંધ લગાવવાના આદેશને પલટી નાખ્યો છે. બુધવારે તેમણે આ મુદ્દે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર પણ સહી કરી દીધી છે.
હકીકતમાં ડોનલ્ડ ટ્રમ્પ વર્ષોથી ફરિયાદ કરી રહ્યા છે કે અમેરિકામાં શાવરમાંથી આવતો પાણીનો ફ્લો ઓછો હોય છે જેનાથી નાહવા અને વાળ ધોવા જેવાં કામ પણ મુશ્કેલ થઈ જાય છે. ઑર્ડર સાઇન કરતી વખતે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે ‘મારા કેસમાં મને પોતાના સુંદર વાળની સારી સંભાળ માટે સારું શાવર જોઈએ, પરંતુ મારે ૧૫ મિનિટ ઊભા રહેવું પડે છે ત્યારે વાળ ભીના થાય છે. આ ખૂબ હાસ્યાસ્પદ છે.’
ડોનલ્ડ ટ્રમ્પે શાવરમાંથી આવતા પાણીના ફોર્સ પર પ્રતિ મિનિટ ૯.૫ લીટરની જે મર્યાદા હતી એ દૂર કરી દીધી છે.
ડોનલ્ડ ટ્રમ્પની કૃપાથી ઈલૉન મસ્કે બનાવ્યો કમાણીનો રેકૉર્ડ, એક જ દિવસમાં ૩૫ અબજ ડૉલર કમાયા
ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ૯૦ દિવસ માટે ટૅરિફ પર બ્રેક લગાવવાના નિર્ણય બાદ અમેરિકન શૅરમાર્કેટમાં બુધવારે રેકૉર્ડ તેજી આવી હતી. ટૅરિફ-વૉરને કારણે મોટા-મોટા અબજપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો હતો ત્યારે હવે ટૅરિફમાં બ્રેક લાગતાં દુનિયાના ટૉપ ૯ અમીરોએ ૧૪૦ અબજ ડૉલરની કમાણી કરી લીધી હતી જેમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલૉન મસ્કની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં ૩૫.૯ અબજ ડૉલરનો ઉછાળો આવ્યો હતો. બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સના જણાવ્યા અનુસાર મસ્કની નેટવર્થ હવે ૩૨૬ અબજ ડૉલરે પહોંચી ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૧૦૭ અબજ ડૉલરનો ઘટાડો આવ્યો છે.