18 February, 2025 07:02 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
લશ્કર-એ-તૈયબાના (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અનેક આતંકવાદીઓને શરણ આપે છે, તે વાતના ઘણા પુરાવાઓ છે. આ સાથે ભારતમાં આતંકવાદી હુમલામાં સામેલ અને દુનિયામાં આતંકવાદી જાહેર કરાયેલા લોકો પણ પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યા છે, એવા પણ અનેક દાવા કરવામાં આવે છે. આ આતંકવાદીઓના જાહેરમાં ભાષણ આપવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે. જોકે હાલમાં પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં મોટો ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે છેલ્લા અનેક સમયથી કોઈ અજાણી વ્યક્તિ આતંકવાદીઓને મારી રહ્યા હોવાની અનેક ઘટનાઓ અને સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં પણ એવો જ કિસ્સો બન્યો હોવાના અહેવાલ છે.
આ દિવસોમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓ ભયની છાયામાં જીવી રહ્યા છે. આનું કારણ અજાણ્યા હુમલાખોરો છે જે એક પછી એક આતંકવાદીઓને મારી રહ્યા છે. આ અજાણ્યા હુમલાખોરોને લીધે આતંકવાદીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. તાજેતરના અપડેટ્સમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો કરવામાં આવ્યો છે એવો અનેક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના રાજકીય વિંગના વડા મૌલાના કાશિફ અલીની 17 ફેબ્રુઆરી, 2025 સોમવારના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં બની હતી. અજાણ્યા બંદૂકધારીઓએ કાશિફ અલીના ઘર પર હુમલો કર્યો હતો. કાશિફ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો પણ હતો. મૌલાના કાશિફના સંબંધીઓએ આ વાતનું પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તેમને વિસ્તારમાં કોઈ સાથે દુશ્મનાવટ નહોતી અને હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.
કાશિફ અલીનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું
ત્યાંની એક સમાચાર એજન્સી મુજબ, જિલ્લા પોલીસ અધિકારી અઝહર ખાને જણાવ્યું હતું કે આ મામલે હકીકતો જાણવા માટે તપાસ ચાલી રહી છે. કાશિફની પત્નીએ આ અંગે FIR પણ નોંધાવી છે. એવો આરોપ છે કે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
લશ્કર-એ-તૈયબાને આગળ વધારવા માટે કામ કર્યું
મૌલાના કાશિફ અલીએ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (પીએમએમએલ) દ્વારા લશ્કરની રાજકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સંગઠનાનો ઉદ્દેશ્ય પાકિસ્તાની રાજકારણમાં જૂથને કાયદેસર બનાવવાનો હતો. લશ્કર-એ-તૈયબાનું નામ 2008ના મુંબઈના 26/11 આતંકવાદી હુમલા સહિત અનેક હાઈ-પ્રોફાઇલ આતંકવાદી હુમલાઓમાં પણ આવ્યું હતું. ભારત અને અમેરિકા સહિત ઘણા અન્ય દેશો દ્વારા આ સંગઠનાને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનના અધિકારીઓએ હજી સુધી કાશિફની હત્યા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે આ પહેલા પણ અનેક આતંકવાદીઓને અજાણી વ્યક્તિઓ દ્વારા મારી નાખવાની ઘટનાઓ બની હતી.