ભારત કહે છે કે તે હવે સરકારી કર્મચારી નથી

19 October, 2024 12:08 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ખાલિસ્તાની આતંકવાદીના મર્ડર-પ્લાનમાં રૉના ભૂતપૂર્વ અધિકારી પર અમેરિકાએ ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવ્યો, પણ...

ગુપ્તચર અધિકારી વિકાસ યાદવ, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની નિષ્ફળ કોશિશ કરવાના મામલે અમેરિકાએ ભારતના રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (RAW-રૉ)ના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ પર આરોપ લગાવ્યો છે. અમેરિકાના જ​સ્ટિસ વિભાગે આ જાણકારી આપી હતી.

આ ઘટનાક્રમ ભારત અને અમેરિકાના અધિકારીઓની બેઠક બાદ આવ્યો છે. બેઠક બાદ ગુરુવારે ભારતના વિદેશમંત્રાલયે કહ્યું હતું કે અમેરિકાના જ​સ્ટિસ વિભાગે કેસમાં જે વ્યક્તિની સામે કેસ નોંધ્યો છે તે હવે ભારત સરકારનો કર્મચારી નથી.

અમેરિકાએ પહેલાં એમ જણાવ્યું હતું કે એક અમેરિકન નાગરિકની હત્યા કરવાના ષડ્યંત્રના આરોપોને તેઓ ગંભીરતાથી લઈ રહ્યા છે. આ કેસમાં નિખિલ ગુપ્તા અને એક રૉ-અધિકારીનો સમાવેશ છે. નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકના પ્રાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેને અમેરિકા લાવવામાં આવ્યો છે.

અમેરિકાનો આરોપ છે કે એક ભારતીય સરકારી કર્મચારીએ નિખિલ ગુપ્તાને એક હત્યારાની ભરતી કરવાની જવાબદારી સોંપી હતી જે પન્નુની હત્યાને અંજામ આપી શકે. આ સરકારી કર્મચારીની ઓળખ CC1ના રૂપમાં કરવામાં આવી હતી. આ ષડ્યંત્રને અમેરિકન અધિકારીઓએ નિષ્ફળ બનાવ્યું હતું.

આ અધિકારીની ઓળખ રૉના ૩૯ વર્ષના ગુપ્તચર અધિકારી વિકાસ યાદવના રૂપમાં કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે તે અમેરિકન-કૅનેડિયન નાગરિક ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવાના ષડ્યંત્રમાં સામેલ છે. જોકે તે હવે સરકારી કર્મચારી નથી, તેની સામે ભાડા પર હત્યા કરવા અને મની લૉન્ડરિંગ સહિતના ત્રણ આરોપ મૂકવામાં આવ્યા છે. તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. 

international news world news terror attack khalistan united states of america