01 September, 2025 09:46 AM IST | Kyiv | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટૅરિફ લગાવી દીધી છે, પણ જુલાઈ મહિનામાં ભારત યુક્રેન માટે સૌથી મોટું ડીઝલ સપ્લાયર બન્યું હતું. જુલાઈ ૨૦૨૪માં ભારતે યુક્રેનની ડીઝલ જરૂરિયાતોનો માત્ર ૧.૯ ટકા હિસ્સો પૂરો પાડ્યો હતો. આમ આ વધારો અનેકગણો છે. ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીને ટાંકીને વૉશિંગ્ટને ભારતીય માલ પર ૫૦ ટકાની ભારે ટૅરિફ લગાવી દીધી છે, પણ આશ્ચર્યજનક બાબત એ છે કે એક તરફ અમેરિકા ભારતને રશિયા સાથેના ઊર્જા-સંબંધો માટે સજા આપે છે ત્યારે ભારતીય ઈંધણ યુદ્ધ સમયના યુક્રેનના અર્થતંત્રને ટકાવી રાખવામાં મદદ કરી રહ્યું છે.
ભારતીય મૂળનું ડીઝલ અનેક ચૅનલો દ્વારા યુક્રેન પહોંચી રહ્યું છે. રોમાનિયાથી ડેન્યુબ નદી પર ટૅન્કર ડિલિવરી દ્વારા નોંધપાત્ર હિસ્સો આવે છે. વધુમાં કાર્ગો ટર્કીના મારમારા એરેગ્લિસી બંદરમાં OPET ટર્મિનલ દ્વારા રૂટ કરવામાં આવે છે, જે આંશિક પ્રતિબંધો છતાં કાર્યરત છે. આ માર્ગોએ ભારતને જટિલ ભૂરાજકીય પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરવામાં સક્ષમ બનાવ્યું છે.
આ વર્ષમાં જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૫ સુધીમાં ભારતે યુક્રેનની ડીઝલ આયાતમાં ૧૦.૨ ટકા સપ્લાય કરી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમ્યાન ૧.૯ ટકાથી પાંચગણો વધારો છે. ભારતનો હિસ્સો હવે ઘણા યુરોપિયન ભાગીદારો કરતાં વધારે છે.