✕

News in Short: મિડ-ટર્મ ઇલેક્શન પહેલાં અમેરિકામાં મોંઘવારી બેલગામ

21 October, 2026 08:23 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ મોંઘવારીનો વાર્ષિક દર અચાનક વધી જતાં રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં મોટો વધારો થાય એવા સમાચાર સામે આવ્યા હતા.

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી

અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ મોંઘવારીનો વાર્ષિક દર અચાનક વધી જતાં રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં મોટો વધારો થાય એવા સમાચાર સામે આવ્યા હતા. શ્રમ વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર મહિનામાં ફુગાવાનો વાર્ષિક દર વધીને ૩.૭ ટકા થઈ ગયો છે, જે ઑગસ્ટમાં ૩.૪ ટકા હતો. ઈરાન સાથેના યુદ્ધને કારણે દેશમાં ઊર્જાના ભાવો સીધા આસમાને પહોંચ્યા છે. છેલ્લા એક વર્ષમાં ગૅસોલિનના ભાવમાં ૩૪ ટકા અને ઘરમાં વપરાતા ફ્યુઅલ ઑઇલના ભાવમાં ૭૪ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. 
મોંઘવારીનો સીધો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે. ઊર્જાના આટલા ઊંચા ભાવોને કારણે દરેક પરિવારને સરેરાશ ૯૬,૯૦૦ રૂપિયા (૧૦૨૦ ડૉલર) જેટલો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. એક નવા સત્તાવાર સર્વેક્ષણ મુજબ ૭૮ ટકા લોકો આ કમરતોડ મોંઘવારી માટે ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસનની નિષ્ફળ નીતિઓને સીધી રીતે જવાબદાર માને છે. 
જોકે ડોનલ્ડ ટ્રમ્પે મોંઘવારી વિશે તમામ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે ઈરાન અને હુતી બળવાખોરો સાઉદી અરેબિયા પર ઇરાદાપૂર્વક હુમલા કરી રહ્યા છે જેથી ચૂંટણી પહેલાં ઑઇલના ભાવ વધારી શકાય. વધતી જતી મોંઘવારીને તાત્કાલિક કાબૂમાં લેવા માટે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો જેને કારણે હવે લોન પણ અત્યંત મોંઘી થઈ ગઈ છે. આ નવો સત્તાવાર રિપોર્ટ ડોનલ્ડ ટ્રમ્પ માટે બહુ મોટો રાજકીય ફટકો સાબિત થઈ શકે છે.    

મેં ૮-૯ વર્ષ પહેલાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિને સરહદો બંધ કરવાની સૂચના આપી હતી એમ જણાવતાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું…

પૅરિસ જલદીથી મુસ્લિમ શહેર બની જશે 

ફ્રાન્સમાં ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનો વિશે વૉશિંગ્ટનમાં પત્રકારો સાથે વાત કરતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પૅરિસ થોડા સમયમાં મુસ્લિમ શહેર બની જશે, આમ ન થવું જોઈએ. 
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉનને મેં દેશની સરહદો બંધ કરવાની ચેતવણી આપી હતી એમ જણાવીને ટ્રમ્પે કહ્યું હતું કે ‘મેં ઇમૅન્યુએલને ૮ કે ૯ વર્ષ પહેલાં જ ફ્રાન્સની સરહદો બંધ કરવાની સૂચના આપી હતી પણ તેમણે બધાને આવવા દીધા. અમે અમારી સરહદો બંધ કરી દીધી હતી પણ તેમણે દુનિયાભરના લોકોને ફ્રાન્સમાં આવવા દીધા જે એક મોટી ભૂલ હતી. ફ્રાન્સમાં જે કંઈ થઈ રહ્યું છે એ સ્કૂલો કે અન્ય કોઈ વસ્તુને કારણે નથી, એ ઇમિગ્રેશનને કારણે છે. એની સરહદો ખુલ્લી છે એના કારણે આ સમસ્યા સર્જાઈ છે.’

મિડલ ઈસ્ટના ૧૨ દેશો માટે અમેરિકાએ ચેતવણી જાહેર કરી
અમેરિકાએ મિડલ ઈસ્ટના ૧૨ દેશોમાં સુરક્ષા ચેતવણી જારી કરી છે. વધતા ટેન્શન વચ્ચે આ ચેતવણી દ્વારા અમેરિકનોને સંભવિત ફ્લાઇટ રદ થવા, હવાઈ ક્ષેત્ર બંધ થવા અને મુસાફરીમાં અવરોધો આવવા વિશે સાવચેત કરવામાં આવ્યા છે. આ ચેતવણી સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE), કુવૈત, જૉર્ડન, બાહરિન, ઓમાન, ઈરાન, કતર, ઇરાક, લેબૅનન, યમન અને ઇઝરાયલ માટે જાહેર કરવામાં આવી છે. ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાન અને એને સમર્થન આપતાં જૂથો વિદેશમાં અમેરિકાનાં અન્ય હિતોને નિશાન બનાવી શકે છે. 

રશિયાનાં ડેટા સેન્ટરો પર યુક્રેનનો હુમલો

રશિયનોનાં ઘરનાં ડિજિટલ લૉક બંધ થઈ ગયાં, બૅન્ક-ખાતાંના ઉપયોગથી વંચિત રહ્યા

યુક્રેને રશિયાના ગૂગલ ગણાતા યાન્ડેક્સનાં ડેટા સેન્ટરો પર હુમલો કરતાં ઘણા રશિયનો માટે સમસ્યા ઊભી થઈ હતી. તેઓ પોતાના ફ્લૅટનાં ડિજિટલ લૉક ખોલવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને ઘણાં રશિયનો તેમનાં બૅન્ક-ખાતાંનો ઉપયોગ કરવાથી વંચિત થઈ ગયા હતા. 
યુક્રેનના આ હુમલા બાદ ઘણા લોકોએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ ટૅક્સી બુક કરી શકતા નથી કે ફૂડનો ઑનલાઇન ઑર્ડર આપી શકતા નથી. તેમના ઘરની ડિજિટલ કી કામ કરતી બંધ થઈ જવાથી ઘણા લોકોને પોતાના ઘરમાં એન્ટ્રી કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુક્રેનના હુમલા પછી યાન્ડેક્સનો ટ્રાફિક ૯૪ ટકા ઘટી ગયો હતો અને એના યુઝર્સે ઈ-મેઇલ, સર્ચ, નૅવિગેશન, મ્યુઝિક, રાઇડ-હેઇલિંગ, માર્કેટપ્લેસ અને નાણાકીય સેવાઓ જેવી સુવિધાઓમાં ભારે વિક્ષેપનો અનુભવ કર્યો હતો.

આ ઘટના બાદ રશિયાએ પણ યુક્રેનમાં આવેલાં ડેટા સેન્ટરોને નિશાન બનાવ્યાં હતાં.

ફ્રાન્સના બ્રૅન્ડેડ સ્ટોર્સમાંથી લૂંટાયેલી ચીજો હવે પૅરિસના રસ્તાઓ પર ભારે ડિસ્કાઉન્ટમાં વેચાવા લાગી

ફ્રાન્સનાં વિરોધ-પ્રદર્શનોમાં પૅરિસમાં બ્રૅન્ડેડ સ્ટોરમાંથી લક્ઝરી ચીજવસ્તુઓ લૂંટવામાં આવી હતી એ હવે પૅરિસના રસ્તાઓ પર ભારે ડિસ્કાઉન્ટમાં વેચાવા લાગી છે. બેફામ ટોળાએ સુપરમાર્કેટ્સ, ફાર્મસી, લક્ઝરી શૉપ્સ, બુટિક્સ, ઇલેક્ટ્રૉનિક શો-રૂમ્સને તોડીને લૂંટફાટ કરી હતી. આ સ્ટોર્સમાં લુઈ વિત્તોં, હર્મી, ડિયોર અને રોલેક્સ જેવી લક્ઝરી બ્રૅન્ડ્સનો સમાવેશ થાય છે.
રસ્તા પર આ ચીજો વેચી રહેલા કેટલાક વિક્રેતાઓ મૂળ કિંમતના ૯૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા છે. વિક્રેતાઓ સ્ટોર્સમાંથી વસ્તુઓ લઈ જવામાં આવી રહી હોવાના વિડિયો પણ બતાવી રહ્યા છે જેનાથી આ ચીજ ઑરિજિનલ છે એવું ખરીદનારને લાગી શકે. 
બીજી તરફ સેકન્ડહૅન્ડ ઑનલાઇન માર્કેટપ્લેસ ‘વિન્ટેડ’માં પણ ગત એકાદ દિવસમાં લિસ્ટિંગમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે અને લૂંટફાટ કરનારા લોકો ત્યાં પણ આ ચીજો વેચી રહ્યા છે. આ પ્લૅટફૉર્મ પર રોલેક્સ ઘડિયાળો ભારે ડિસ્કાઉન્ટમાં રીસેલમાં ઉપલબ્ધ છે.

પાકિસ્તાનમાં ઐતિહાસિક હિન્દુ મંદિર તોડવાના ષડ‍્યંત્રનો ભારે વિરોધ થયો, સીલ મરવામાં આવ્યું

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાનમાં આવેલા અંદાજે ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક રામલીલા મંદિરને તોડી પાડવાના પ્રયાસનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. હિન્દુ સમુદાય અને સ્થાનિક મુસ્લિમ સમાજના ભારે હોબાળા બાદ શનિવારે ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રૉપર્ટી બોર્ડ (ETPB) દ્વારા આ મંદિરને સત્તાવાર રીતે સીલ કરી દેવામાં આવ્યું હતું. અહીં કથિત રીતે એક કમર્શિયલ પ્લાઝા બનાવવા માટે મંદિરને તોડી પાડવાનું મોટું ષડ‍્યંત્ર રચવામાં આવ્યું હતું. 
સ્થાનિક વેપારી મંડળના પ્રમુખ સોહેલ અહમદ આઝમીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘મંદિર તોડવાની કાર્યવાહી વિશે માહિતી મળતાં જ લોકોએ એકઠા થઈને કામ તાત્કાલિક અટકાવી દીધું હતું. ત્યાર બાદ સ્થાનિક મુસ્લિમ સમાજ અને હિન્દુ સમુદાયના સભ્યોએ એક બેઠક કરીને આ મિલકતની માલિકી અને ત્યાં થનારા કમર્શિયલ બાંધકામની કાયદેસરતા વિશે તપાસ કરવાની માગણી કરી હતી. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાકિસ્તાનની નૅશનલ ઍસેમ્બલીમાં આ ગંભીર મુદ્દો ઉઠાવવા પણ વિશેષ વિનંતી કરી હતી.’ 

international news world news united states of america donald trump france pakistan russia ukraine paris