અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી કરારમાં આ છે ૧૪ મોટી શરતો!

15 June, 2026 10:05 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

US Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે શાંતિ કરાર પર સહમતિ કરવાનું નક્કી થયું છે; અમેરિકા અને ઈરાન વચ્ચે ૧૯મી તારીખે શાંતિ કરાર પર હસ્તાક્ષર થશે; આ શાંતિ કરારની ૧૪ મુખ્ય શરતો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અમેરિકા (United States of America) અને ઈરાન (Iran) વચ્ચે પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ (Middle East Crisis) અને તણાવનો અંત લાવવા માટે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી (US Iran Peace Deal) પર સહમતિ સધાઈ ગઈ છે. આ શાંતિ કરાર પર ૧૯ જૂનના રોજ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ સમજૂતી અંતર્ગત બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય કરવા અને લશ્કરી ગતિવિધિઓ રોકવા માટે મહત્વપૂર્ણ શરતો નક્કી કરવામાં આવી છે, જેમાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)ને આંતરરાષ્ટ્રીય જહાજો માટે મુક્ત કરવી અને અમેરિકા દ્વારા ઈરાનના ફ્રીઝ કરાયેલા ફંડને મુક્ત કરવા જેવા મોટા મુદ્દાઓ સામેલ છે.

ઈરાનની `મેહર ન્યૂઝ એજન્સી` દ્વારા આ શાંતિ સમજૂતીના ત્રિ-તબક્કાના રોડમેપ અને ૧૪ મુખ્ય શરતોની વિગતો જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:

અમેરિકા-ઈરાન ડીલના ૩ મહત્વપૂર્ણ તબક્કા

તબક્કો ૧:

MoU ની ઘોષણા (૧૪ જૂન) તમામ મોરચે યુદ્ધ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવશે. ઈરાન પર લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી (નેવલ બ્લોકેડ) સમાપ્ત થશે અને હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં આવશે.

તબક્કો ૨:

MoU સાઇન થયાના ૩૦ દિવસમાં (૧૯ જૂનથી શરૂ)’હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે વ્યાપારી જહાજો માટે ખુલ્લી મુકાશે. અમેરિકા દ્વારા ફ્રીઝ (જપ્ત) કરાયેલા કુલ ૨૪ અબજ ડોલરમાંથી પ્રથમ હપ્તા તરીકે ૧૨ અબજ ડોલર ઈરાનને પરત મળશે.

તબક્કો ૩:

૬૦ દિવસની અંદર બંને દેશો વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વિગતવાર ચર્ચા થશે અને સંતોષકારક વાટાઘાટો બાદ બાકીના ૧૨ અબજ ડોલર પણ ઈરાનને મુક્ત કરી દેવાશે.

શાંતિ સમજૂતીની ૧૪ મોટી શરતો

૧. યુદ્ધનો અંત:

લેબનોન સહિત તમામ લશ્કરી મોરચે ચાલી રહેલી સૈન્ય કામગીરીઓનો તાત્કાલિક અને કાયમી ધોરણે અંત લાવવામાં આવશે.

૨. ફ્રીઝ ફંડની મુક્તિ:

૬૦ દિવસની વાટાઘાટો દરમિયાન ઈરાનની જપ્ત કરાયેલી ૨૪ અબજ ડોલરની સંપત્તિ મુક્ત કરાશે, જેમાંથી અડધા નાણાં (૧૨ અબજ ડોલર) ચર્ચા શરૂ થાય તે પહેલાં જ આપી દેવાશે.

૩. સંપ્રભુતાનું સન્માન:

ઈરાનની આંતરિક બાબતોમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં નહીં આવે અને ઈસ્લામિક રિપબ્લિકની સંપ્રભુતાનું સન્માન જાળવવામાં આવશે.

૪. સેનાની વાપસી:

અમેરિકા ૩૦ દિવસની અંદર ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લેશે.

૫. હોર્મુઝ સામુદ્રધુનીનું સંચાલન:

ઈરાની વ્યવસ્થા હેઠળ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરીથી ખોલવાની મંજૂરી અપાશે અને દરિયાઈ નાકાબંધી હટાવી લેવાશે.

૬. પરમાણુ હથિયારો પર પ્રતિબંધ:

ઈરાને પોતાના પરમાણુ હથિયારો ન બનાવવાના અગાઉના વચન અને પ્રતિબદ્ધતા પર કાયમ રહેવું પડશે.

૭. ઈરાનનું પુનઃનિર્માણ:

અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા ઈરાનના આર્થિક પુનઃનિર્માણ માટે ઓછામાં ઓછી ૩૦૦ અબજ ડોલરની યોજનાઓ રજૂ કરવાની શરત સામેલ છે.

૮. નિકાસ પરથી પ્રતિબંધો હટશે:

ઈરાનના તેલ (ક્રૂડ ઓઈલ), પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને સંબંધિત નિકાસ પર લાગેલા પ્રતિબંધો સ્થગિત કરવાનો પ્રસ્તાવ છે, જેથી તેહરાનને તેની કમાણી પર સંપૂર્ણ અધિકાર મળે.

૯. મર્યાદિત વાટાઘાટો:

આગામી ચર્ચાઓ માત્ર એનરિચ્ડ યુરેનિયમના ભવિષ્ય, સંવર્ધન (Enrichment), પ્રતિબંધોમાં રાહત અને આર્થિક પુનઃનિર્માણ સુધી જ સીમિત રહેશે.

૧૦. મિસાઈલ કાર્યક્રમ એજન્ડાની બહાર:

ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ અને તેના સહયોગી સશસ્ત્ર જૂથો (Milita Groups) ને આપવામાં આવતું સમર્થન આ શાંતિ વાટાઘાટોના એજન્ડાથી બહાર રાખવામાં આવશે.

૧૧. નવા પ્રતિબંધો પર રોક:

શાંતિ સમજૂતીની ચર્ચા દરમિયાન અમેરિકા આ ક્ષેત્રમાં વધારાની સેના તૈનાત નહીં કરે અને ઈરાન પર કોઈ નવા આર્થિક પ્રતિબંધો લાદશે નહીં.

૧૨. મોનિટરિંગ સિસ્ટમ:

આ કરારના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોવા માટે એક સંયુક્ત મોનિટરિંગ સિસ્ટમ (દેખરેખ તંત્ર) તૈયાર કરવામાં આવશે.

૧૩. સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી:

બંને દેશો વચ્ચે ફાઇનલ થયેલા આ શાંતિ કરારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવ દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવશે.

૧૪. નાણાકીય સંસાધનોની છૂટ:

ઈરાનને પોતાના તમામ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસાધનો અને બેંકિંગ ચેનલોનો મુક્તપણે ઉપયોગ કરવાની છૂટ મળશે.

નોંધનીય છે કે, ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી આ શરતો અંગે હજી સુધી અમેરિકા કે ઈરાન સરકાર દ્વારા સત્તાવાર મહોર મારવામાં આવી નથી. બંને પક્ષો વચ્ચે ઔપચારિક વાટાઘાટો આગળ વધવાની સાથે આ શરતોમાં આંશિક ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં.

united states of america iran middle east crisis hormuz strait international news world news news