28 April, 2026 10:02 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકાની ચર્ચાના બીજા રાઉન્ડમાંથી બન્ને પક્ષો બહાર નીકળી ગયા હોવાથી ઈરાનના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે જો અમેરિકા શાંતિ વાટાઘાટો માટે ટેબલ પર પાછા ફરવા માગે છે તો ઈરાને વાટાઘાટો માટે ૩ સ્ટેજની ફૉર્મ્યુલાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેહરાન દ્વારા મૂકવામાં આવેલી શરતો યુદ્ધના અંત, હોર્મુઝ સ્ટ્રેટ અને પરમાણુ મુદ્દાની આસપાસ ફરે છે.
ઈરાને મધ્યસ્થી દ્વારા અમેરિકાને જણાવ્યું હતું કે જો એ સફળતાપૂર્વક વાટાઘાટો ફરી શરૂ કરવા માગે છે તો એમણે ૩ સ્ટેજમાંથી પસાર થવું પડશે.
સ્ટેજ ૧ : યુદ્ધનો સંપૂર્ણ અંત અને ઈરાન અને લેબૅનન સામે એને ફરી શરૂ નહીં કરવાની ગૅરન્ટી.
સ્ટેજ ૨ : જો પ્રથમ સ્ટેજની માગણી પર સંમતિ સાધવામાં આવે તો બીજા સ્ટેજમાં બેઉ પક્ષો હોર્મુઝ સ્ટ્રેટના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગના સંચાલન અને વહીવટ અંગે ચર્ચા કરશે.
સ્ટેજ ૩ : ઉપરોક્ત બે સ્ટેજ પાર કર્યા પછી જ ઈરાન પરમાણુ મુદ્દા પર ચર્ચા કરશે.
આ એક મુખ્ય મુદ્દો છે કારણ કે અમેરિકા લાંબા સમયથી તેહરાનને યુરેનિયમ સંવર્ધન બંધ કરવાની અને એના ભંડારને દેશની બહાર ખસેડવાની માગણી કરતું રહ્યું છે.