04 November, 2025 08:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટપદે ચૂંટાઈ આવ્યા એને એક વર્ષ પૂરું થાય એ પહેલાં જ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી ગઈ છે. YouGov/Economist સર્વે અનુસાર ટ્રમ્પનું અપ્રૂવલ રેટિંગ સૌથી નીચા સ્તરે છે. સર્વેમાં ૫૭ ટકા લોકોએ તેમના કામને નાપસંદ કર્યું છે અને માત્ર ૩૯ ટકા લોકોએ તેમને પસંદ કર્યા છે. આમ તેમનું નેટ અપ્રૂવલ માઇનસ ૧૮ પૉઇન્ટ્સ રહ્યું છે. તેમણે શપથગ્રહણ કર્યા ત્યાર બાદનું આ સૌથી ઓછું રેટિંગ છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટો બરાક ઓબામા અને જો બાઇડન બન્નેના પહેલા વર્ષ કરતાં આ રેટિંગ નોંધપાત્ર રીતે ઓછું છે. પહેલા વર્ષના અંતે ઓબામાનું રેટિંગ ૩ ટકા અને જો બાઇડનનું રેટિંગ ૭ ટકા ઘટ્યું હતું.
ડોનલ્ડ ટ્રમ્પ ગયા વર્ષે પાંચમી નવેમ્બરે અમેરિકાના પ્રેસિડન્ટપદે ચૂંટાઈ આવ્યા હતા. આવતી કાલે તેમને એક વર્ષ પૂરું થશે. જોકે ઓછા અપ્રૂવલ રેટિંગ સિવાય આજે ન્યુ યૉર્ક સિટી એના નવા મેયરની પસંદગી કરશે અને વર્જિનિયા અને ન્યુ જર્સીમાં પણ ગવર્નર અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. અમેરિકામાં બધાની નજર આ ચૂંટણી પર છે. આ ચૂંટણી નક્કી કરશે કે ટ્રમ્પનો બીજો કાર્યકાળ જાહેર અપેક્ષાઓ પર ખરો ઊતરે છે કે નહીં. રિપબ્લિકન એને નીતિગત મજબૂતાઈના પુરાવા તરીકે માની રહ્યા છે, જ્યારે ડેમોક્રૅટ્સ એને મિની રેફરન્ડમ કહી રહ્યા છે.