08 July, 2026 05:03 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ (તસવીર: સૌજન્ય મિડ-ડે)
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ મંગળવારે મોડી રાત્રે ઈરાન પર ફરી હુમલા કર્યા હતા. આ હુમલા બાદ બન્ને દેશો વચ્ચેનો તણાવ ફરી વધી ગયો છે. જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને અન્ય ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર નવા હુમલા કર્યા હતા. નાટો પ્રમુખ માર્ક રૂટ સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું હતું કે શું ઈરાન સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે અને 14 મુદ્દાની MoU (સમજૂતી) હવે ખતમ માનવી? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "મારા મત પ્રમાણે આ સમાપ્ત થઈ ગયું છે. હું ઈરાન સાથે હવે કોઈ વાતચીત કરવા માગતો નથી." ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ અને તેના વલણની આકરી ટીકા પણ કરી હતી. ટ્રમ્પે અમેરિકાના તાજેતરના હુમલાનો બચાવ કરતા કહ્યું કે, "અમે ગઈ રાત્રે ઈરાનના ખૂબ જ ખતરનાક લોકોને જોરદાર જવાબ આપ્યો છે." તેમણે કહ્યું કે ઈરાન તરફથી રૉકેટ હુમલા કરવામાં આવ્યા બાદ અમેરિકાએ કડક કાર્યવાહી કરી છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે ઈરાન સામેના આ હુમલા જરૂરી હતા અને અમેરિકાએ તેનો મજબૂત જવાબ આપ્યો છે.
ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈરાનની કોઈપણ કાર્યવાહીનો અમેરિકા કડક જવાબ આપતું રહેશે. ટ્રમ્પે કહ્યું, "અમે ગઈ રાત્રે ઈરાન પર ખૂબ જ જોરદાર હુમલો કર્યો હતો." તેમણે કહ્યું, "મેં તેમને સ્પષ્ટ કહી દીધું છે કે તમે જ્યારે પણ હુમલો કરશો, અમે પણ તેનો જવાબ આપીશું." ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાન ગંદી રમત રમે છે અને દરેકને નિશાન બનાવવાનો પ્રયાસ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે કદાચ તેઓ મને પણ નિશાન બનાવી શકે છે. ટ્રમ્પે વધુમાં કહ્યું, "અમને ઈરાન પસંદ નથી અને મને તો બિલકુલ નથી." તેમણે ઈરાનને `ખતરનાક લોકો` ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનું લક્ષ્ય ઈરાનને પરમાણુ હથિયારોથી સંપૂર્ણ રીતે મુક્ત કરવાનું છે. તેમણે કહ્યું, "અમે ઈરાનનું પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સમાપ્ત કરીશું."
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ બુધવારે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર હુમલા કર્યા હતા. અમેરિકાએ જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગમાં ત્રણ વ્યાવસાયિક જહાજો પર થયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ કહ્યું કે આ ઑપરેશનમાં ઈરાનના સૈન્ય માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. CENTCOMએ ચેતવણી આપી કે આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલો કરવા બદલ ઈરાનને ભારે કિંમત ચૂકવવી પડશે. આ કાર્યવાહી નબળા પડેલા યુદ્ધવિરામ વચ્ચે તણાવ વધારનારી સાબિત થઈ છે. બીજી તરફ, ઈરાને કહ્યું કે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે તે નિર્ણાયક પગલાં ભરશે. ઈરાને આરોપ લગાવ્યો કે અમેરિકા વારંવાર MoU (સમજૂતી)નું ઉલ્લંઘન કરી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સમજૂતી તોડવા બદલ અમેરિકાને તેના પરિણામો ભોગવવા પડશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવની અસર હવે વૈશ્વિક બજારો પર સ્પષ્ટ જોવા મળી રહી છે. અમેરિકાના નવા હુમલા અને ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ સમાપ્ત ગણાવ્યા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં 5 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જ્યારે ભારતીય શૅરબજાર પણ દબાણ હેઠળ આવ્યું છે. બીજી તરફ, ટ્રમ્પે ઈરાન મુદ્દે નાટો અને ખાસ કરીને સ્પેનના વલણની ટીકા કરીને અમેરિકા વધુ કડક પગલાં લઈ શકે તેવા સંકેત આપ્યા છે.