16 January, 2026 10:57 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાએ ૭૫ દેશો માટે ૨૧ જાન્યુઆરીથી વીઝા આપવાની પૂરી પ્રોસેસ રોકવાનો નિર્ણય લીધો છે. એમાં ભારતના છ પાડોશી દેશો પાકિસ્તાન, બંગલાદેશ, અફઘાનિસ્તાન, ભુતાન, નેપાલ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. આ નિર્ણય અમેરિકાના વિદેશમંત્રાલયે એક મેમોના આધારે લીધો છે અને એનો હેતુ અમેરિકા આવનારા વિદેશીઓની સંખ્યા ઘટાડવાનો છે. અમેરિકાના વિદેશમંત્રાલયે કહ્યું હતું કે હવે તેઓ પોતાની કાનૂની શક્તિનો ઉપયોગ કરશે જે અંતર્ગત એવા લોકોને વીઝા મળતા રોકી શકાય જેમના વિશે આશંકા હોય કે તેઓ અમેરિકા આવીને સરકારી મદદ કે વેલ્ફેર યોજનાઓ પર નિર્ભર થઈ શકે છે.
અમેરિકાની આ યાદીમાં રશિયા, બ્રાઝિલ, કૅમરૂન, જ્યૉર્જિયા, થાઇલૅન્ડ, ઈરાન, ઇરાક, જૉર્ડન, કઝાખસ્તાન, કુવૈત, કોલંબિયા જેવા દેશોનાં નામ પણ સામેલ છે. અમેરિકાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ૭૫ દેશોના ઇમિગ્રન્ટ વીઝાની પ્રક્રિયા ત્યાં સુધી રોકવામાં આવશે જ્યાં સુધી મંત્રાલય એ શોધી લે કે સરકારી મદદ અને સાર્વજનિક લાભ માટે આવનારા લોકોની એન્ટ્રી કઈ રીતે રોકી શકાય.
ભારત વિશ્વાસુ, પાકિસ્તાન નહીં
પાકિસ્તાને ડોનલ્ડ ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ અપાવવા માટે નૉમિનેટ કરીને ચાપલૂસી કરવામાં કોઈ કસર નથી છોડી છતાં આ સમયે અમેરિકાએ એને ઔકાત બતાવી દીધી છે. આસિમ મુનીર તો ટ્રમ્પના દરબારમાં બિરયાની ખાઈ ચૂક્યા હોવા છતાં જ્યારે નિયમ અને કાયદાની વાત આવે ત્યારે અમેરિકાને પાકિસ્તાન પર કોઈ ભરોસો નથી પડતો. બીજી તરફ વિકાસની તેજ રફતાર પકડી રહેલું ભારત અમેરિકા સામે ચટ્ટાનની જેમ ઊભું છે. ટ્રમ્પની ટીમ ભારતને વિશ્વાસુ પાર્ટનર તરીકે જુએ છે એનો આ પુરાવો છે. આનાથી સ્કિલફુલ લોકોનું ઇમિગ્રેશન, હાઈ એજ્યુકેશન અને ટેક્નૉલૉજિકલ પાર્ટનરશિપનો રસ્તો મોકળો થશે.