✕

ઈરાન સાથે વેપાર કરતા પાંચ ભારતીયો અને મુંબઈની બે કંપનીઓ પર અમે‌રિકાની કાર્યવાહી

10 October, 2026 09:59 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ કાર્યવાહી ઑપરેશન ઇકૉનૉમિક આઉટકાસ્ટ હેઠળ કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ ઈરાનની આવકના તમામ સ્રોત કાપી નાખવાનો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઈરાનના ઑઇલ વેપાર અને પ્રતિબંધોમાંથી છટકવાના નેટવર્ક સામેની ઝુંબેશ વધુ તેજ કરતાં અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ એના તાજેતરના ઈરાન સંબંધિત પ્રતિબંધોમાં પાંચ ભારતીય નાગરિકો અને મુંબઈસ્થિત બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાના ઑફિસ ઑફ ફૉરેન ઍસેટ્સ કન્ટ્રોલ દ્વારા હરિશ્યામ હરિહરન, કેતન કોચીકર, ભૂપેન્દ્રસિંહ સાહુ, ધ્વનિ વોરા અને નિસર્ગ વોરાને આ નવી યાદીમાં સામેલ કરાયાં હતાં. મુંબઈની જે બે કંપનીઓની ઓળખ થઈ છે એમાં સમુદ્ર મરીન સર્વિસિસ અને SSPL સૉલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી ઑપરેશન ઇકૉનૉમિક આઉટકાસ્ટ હેઠળ કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ ઈરાનની આવકના તમામ સ્રોત કાપી નાખવાનો છે. અમેરિકન નિયમો અનુસાર આ તમામ વ્યક્તિઓ અને કંપનીઓની સંપત્તિ સ્થગિત કરી દેવાશે અને અમેરિકન નાગરિકોને તેમની સાથે કોઈ પણ પ્રકારનો વહેવાર કરવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની વૈશ્વિક વેપાર અને નાણાકીય સંસ્થાઓ પર પણ મોટી અસર પડી શકે છે.

આ ઉપરાંત અમેરિકાએ ઈરાનના શૅડો ફ્લીટ સાથે સંકળાયેલાં જહાજો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ટૅન્કરોનો ઉપયોગ ક્રૂડ ઑઇલ અને પેટ્રોકેમિકલ્સના પરિવહન માટે થતો હોય છે. આ કડક કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાન સરકારના તેલવેચાણને અટકાવીને તેમની આવકના રસ્તા બંધ કરવાનો છે.

united states of america iran india international news world news news