ચીને ઇલેક્ટ્રોમૅગ્નેટિક શસ્ત્રનો ઉપયોગ કરીને ભારતીય સૈનિકોને જીવતા ઓગાળી દીધા હતા

13 September, 2025 10:16 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકન સેનેટર બિલ હેગર્ટીનો ગલવાન સંઘર્ષ પર વિચિત્ર દાવો

અમેરિકન સેનેટર બિલ હેગર્ટી

અમેરિકામાં ટેનેસી રાજ્યના રિપબ્લિકન સેનેટર બિલ હેગર્ટીએ દાવો કર્યો હતો કે ચીને પાંચ વર્ષ પહેલાંના ગલવાન સંઘર્ષમાં ભારતીય સૈનિકોને જીવતા ઓગાળી દીધા હતા. ભારત સાથેના સરહદી સંઘર્ષ વખતે ભારતીય સૈનિકોને પિગાળવા માટે ઇલેક્ટ્રોમૅગ્નેટિક હથિયારનો ઉપયોગ ચીને કર્યો હતો. ચીન અને ભારત વચ્ચે અવિશ્વાસનો લાંબો ઇતિહાસ છે. માંડ પાંચ વર્ષ પહેલાં ચીન અને ભારત એક વિવાદિત સરહદ પર લડી રહ્યાં હતાં ત્યારે ચીને ભારતીય સૈનિકોને પિગાળવા માટે ઇલેક્ટ્રોમૅગ્નેટિક હથિયારનો ઉપયોગ કર્યો હતો.

સેનેટરે સૂચવ્યું હતું કે આ ઘટના ૨૦૨૦ના ગલવાન વૅલી સંઘર્ષ સાથે જોડાયેલી હોઈ શકે છે. જોકે તેમણે તેનું સીધું નામ લેવાનું ટાળ્યું હતું.

ટૅરિફ બાબતે તાજેતરની કડવાશભરી વાટાઘાટો અને વિવાદ પછી અમેરિકા અને ભારત ફરી સંબંધોને સામાન્ય કરવા મથી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં અમેરિકાના અન્ય પદાધિકારીઓ અને રાજનેતાઓના બયાન પરથી એવી વાત પણ સામે આવી હતી કે અમેરિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા ભારતને ચીનથી અલગ અને છેટું રાખવાની છે.

ગલવાનમાં શું થયું હતું?

મે ૨૦૨૦માં લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર લશ્કરી ગતિરોધ સાથે ભારત-ચીન સંબંધો છ દાયકામાં એના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતા. ૪૫ વર્ષમાં વિવાદિત સરહદ પર બન્ને પક્ષો વચ્ચે આ પહેલી ઘાતક અથડામણ હતી. એનાથી દ્વિપક્ષીય સંબંધોને ભારે ફટકો પડ્યો હતો. એ સમયે ૧૫ જૂને સાત કલાક ચાલેલા હિંસક મુકાબલામાં કમાન્ડિંગ ઑફિસર સહિત ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. 

india united states of america china indian army international news world news