ઑમિક્રૉન સ્પેશ્યલ રસી માટે વૅક્સિન મેકર્સના પ્રયાસ

01 December, 2021 01:09 PM IST  |  Washington | Agency

સંશોધકો સતત એ જાણવા સ્ટડી કરી રહ્યા છે કે અત્યારની વૅક્સિન્સ આ વેરિઅન્ટ વિરુદ્ધ અસરકારક છે કે નહીં. અહીં જાણીએ કે વૅક્સિન્સ કંપનીઓ એના વિશે શું કહે છે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે ઑમિક્રૉનથી સમગ્ર દુનિયાને ખૂબ જ જોખમ રહેલું છે. આ વેરિઅન્ટ ઑલરેડી દુનિયાના અનેક દેશોમાં પહોંચ્યો છે. સંશોધકો સતત એ જાણવા સ્ટડી કરી રહ્યા છે કે અત્યારની વૅક્સિન્સ આ વેરિઅન્ટ વિરુદ્ધ અસરકારક છે કે નહીં. અહીં જાણીએ કે વૅક્સિન્સ કંપનીઓ એના વિશે શું કહે છે : 
કોવૅક્સિન 
ભારત બાયોટેક દ્વારા પોતે ડેવલપ કરેલી કોવૅક્સિન ઑમિક્રૉનની વિરુદ્ધ અસરકારક રહેશે કે નહીં એ જાણવા માટે સ્ટડી કરવામાં આવી રહ્યો છે. આ કંપનીના સ્પોક્સપર્સને ગઈ કાલે એમ જણાવ્યું હતું. 
આ સ્પોક્સપર્સને જણાવ્યું હતું કે ‘કોવૅક્સિનને ઓરિજિનલ વુહાન વેરિઅન્ટની વિરુદ્ધ ડેવલપ કરવામાં આવી હતી. એ અન્ય વેરિઅન્ટ્સની વિરુદ્ધ પણ અસરકારક રહી છે જેમાં ડેલ્ટા વેરિઅન્ટ પણ સામેલ છે. અમે નવા વેરિઅન્ટ પર સતત રિસર્ચ કરીશું.’
કોવિશીલ્ડ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે ‘ઑક્સફર્ડ ખાતે સાયન્ટિસ્ટ્સ રિસર્ચ કરી રહ્યા છે અને તેમનાં તારણોના આધારે અમે કદાચ નવી વૅક્સિન્સ લાવીશું જે હવેથી ૬ મહિનામાં બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે.’
ફાઇઝર
ફાઇઝરના સીઈઓ આલ્બર્ટ બુરલાએ જણાવ્યું હતું કે લેટેસ્ટ સ્ટ્રેન વિરુદ્ધ અત્યારની રસી અસરકારક કદાચ ન રહે તો એવી સ્થિતિ​ને ધ્યાનમાં રાખીને ઑલરેડી ફાઇઝરે ઑમિક્રૉનને ટાર્ગેટ કરતાં એની રસીના વર્ઝન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે ‘ટેસ્ટિંગમાં જોવા મળી શકે છે કે અત્યારની રસી ઓછી પ્રોટેક્ટ કરી શકે. જેનો અર્થ એ થાય છે કે અમારે કદાચ નવી રસી ક્રીએટ કરવાની જરૂર પડશે.’
મૉડર્ના
મૉડર્નાના સીઈઓ સ્ટીફન બેનસેલે જણાવ્યું હતું કે કોરોનાની વૅક્સિન્સ ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ જેટલી અસરકારક છે એટલી એ ઑમિક્રૉનની વિરુદ્ધ અસરકારક રહે એવી શક્યતા ઓછી છે. આ નિવેદન પછી સ્વાભાવિક રીતે દુનિયામાં ગભરાટની લાગણી વધી ગઈ હતી.
જૉન્સન ઍન્ડ જૉન્સન
જૉન્સન ઍન્ડ જૉન્સને પણ જણાવ્યું છે કે એ ખાસ કરીને ઑમિક્રૉન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને રસી તૈયાર કરી રહ્યું છે અને જરૂર પડશે તો એમાં પ્રોગ્રેસ કરશે. 
ઍસ્ટ્રાઝેનેકા
આ એંગ્લો-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ જણાવ્યું હતું કે એ ઑમિક્રૉનની એની વૅક્સિન્સ અને એનાં ઍન્ટિબોડી કૉકટેલ પર અસરની ચકાસણી કરી રહ્યું છે અને એને આશા છે કે એની વૅક્સિન્સની અસરકારકતા રહેશે. 
સ્પુટનિક વી
સ્પુટનિક વીને ડેવલપ કરવા માટે આર્થિક સહાય કરનારા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડે જણાવ્યું હતું કે આ રસી ઑમિક્રૉનની વિરુદ્ધ અસરકારક છે, પરંતુ તેઓ આ વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને બૂસ્ટર ડોઝ પણ તૈયાર કરી રહ્યા છે. ઑમિક્રૉનને ધ્યાનમાં રાખીને સ્પુટનિકે વૅક્સિનના નવા વર્ઝનને ડેવલપ કરવાનું શરૂ કર્યું છે. 

international news national news