11 March, 2025 10:54 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
લલિત મોદી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ આશરે ૧.૩ કરોડ રૂપિયા ખર્ચીને પૅસિફિક મહાસાગરના ટચૂકડા દેશ વનુઆતુની નાગરિકતા ખરીદી લઈને આ દેશનો પાસપોર્ટ મેળવ્યો હતો, પણ વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપતે દેશના નાગરિકતા આયોગને લલિત મોદીના પાસપોર્ટને રદ કરવાનો આદેશ આપ્યો છે.
આ મુદ્દે નાપતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મેં નાગરિકતા આયોગને લલિત મોદીના પાસપોર્ટને રદ કરવાની કાર્યવાહી તરત શરૂ કરવા આદેશ આપ્યો છે. નાગરિકતા માટે તેમણે કરેલી અરજી વખતે ઇન્ટરપોલ સ્ક્રીનિંગ સહિતના તમામ બૅકગ્રાઉન્ડ ચેકમાં તેઓ કોઈ ગુનાસર દોષિત નથી જણાયા, પણ છેલ્લા ૨૪ કલાકમાં મને જાણ કરવામાં આવી છે કે ઇન્ટરપોલે લલિત મોદી પર અલર્ટ નોટિસ જાહેર કરવાની ભારતીય સત્તાવાળાઓની વિનંતીઓને બે વાર નકારી કાઢી છે, કારણ કે તેમની પાસે પૂરતા ન્યાયિક પુરાવા નથી. આવી કોઈ પણ ચેતવણી લલિત મોદીની નાગરિકતાની અરજીને આપમેળે નકારી કાઢવાનું કારણ બની હોત. વનુઆતુનો પાસપોર્ટ રાખવો એક વિશેષાધિકાર છે, નહીં કે અધિકાર અને તમામ અરજદારોએ યોગ્ય કારણોસર નાગરિકતા પ્રાપ્ત કરવી જોઈએ. યોગ્ય કારણોમાં પણ કોઈને પ્રત્યાર્પણથી બચવાનો પ્રયાસ સામેલ નથી. જોકે હાલમાં જે તથ્યો પ્રકાશમાં આવ્યાં છે એમાં સ્પષ્ટરૂપે સંકેત મળે છે કે લલિત મોદીનો આવો જ ઇરાદો હતો.’
એવું જાણવા મળે છે કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં લલિત મોદી વિશે ખુલાસા થયા બાદ વનુઆતુ પ્રશાસને ઉપરોક્ત નિર્ણય લીધો છે. વનુઆતુને ખબર પડી છે કે લલિત મોદી ભાગેડુ ઉદ્યોગપતિ છે અને પ્રત્યાર્પણથી બચવા વનુઆતુની નાગરિકતા મેળવવા માગે છે.