30 August, 2026 08:44 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
ઘટનાના કલાકો પછી મકાનમાં ફસાયેલા ત્રણેય જણને રેસ્ક્યુ ટીમે મહામહેનતે બહાર કાઢ્યા હતા.
૨૬ ઑગસ્ટે નેપાલ-તિબેટ સરહદ નજીક આવેલા વિનાશક પૂરમાં બચી ગયા પછી નેપાલમાં એક ઘર સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થયું છે. આસપાસનાં ઘરો, રસ્તાઓ અને પુલો નાશ પામ્યાં હતાં; પરંતુ આ ઘરનું માળખું અડીખમ ઊભું રહ્યું હતું જેના કારણે એની ડિઝાઇન કરનારા એન્જિનિયરને રાષ્ટ્રીય ચંદ્રક આપવો જોઈએ એવી માગણી પણ કરવામાં આવી છે.
બીજી તરફ ઘણા લોકોએ આ ઘટનાને આશ્ચર્ય અને ચમત્કાર સમાન ગણાવી છે અને આ ઘરમાં રહેતા પરિવારને નસીબદાર ગણાવ્યો હતો. બે મિનિટના વિડિયોમાં કાદવ, પાણી અને કાટમાળ વચ્ચે ઊભેલું એક ઘર દેખાય છે. મોટી ઇમારતો અને વાહનો રમકડાંની જેમ વહી રહ્યાં છે, પણ આ એક ઘર સહીસલામત ઊભું છે.
મહાપૂર વખતે લેવામાં આવેલા દુર્ઘટનાના વિડિયોમાં આ ઘરની આસપાસ કાદવવાળું પાણી, ખડકો અને કાટમાળના શક્તિશાળી પ્રવાહો વહેતા જોવા મળે છે. આ ઘરના લોકો મહાપૂર વખતે બીજા માળે ઊભા રહેલા જોવા મળે છે. તેમની આસપાસ મહાપૂરનું તાંડવ જોવા મળી રહ્યું છે. જે લોકો વિડિયો ઉતારી રહ્યા હતા તેમને પણ આ લોકોની ચિંતા થતી હતી. જોકે મહાપૂર ઓસરી ગયા બાદ જોવામાં આવ્યું કે ઘર સલામત છે અને એમાં રહેતા લોકો પણ બચી ગયા છે. જ્યારે બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને બહાર કાઢવા માટે મથામણ કરવી પડી હતી, કારણ કે ઘર સુધી પહોંચવાનો કોઈ રસ્તો જ નહોતો.