30 June, 2025 08:16 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
વૉરન બફેટે
છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકન ઇન્વેસ્ટર અને પરોપકારી વૉરન બફેટ દર વર્ષે તેમની કમાણીમાંથી મોટો હિસ્સો દાનમાં આપતા આવ્યા છે. આ વખતે તેમણે બર્કશાયર હૅથવે કંપનીના લગભગ ૬૦૦ કરોડ ડૉલરના શૅર દાન કરી દીધા છે જેની કિંમત લગભગ ૫૧,૨૯૧ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ અત્યાર સુધીનાં વર્ષોમાં તેમણે કરેલા દાનમાં સર્વાધિક છે. ફૉર્બ્સ મૅગેઝિન અનુસાર શુક્રવારે આટલી મોટી રકમ દાન કર્યા પહેલાં તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે હતા અને દાન પછી તેઓ છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે.
આ વર્ષે તેમણે ૬૦૦ કરોડ ડૉલરનું દાન કર્યું છે, જ્યારે ૨૦૨૪માં તેમણે ૫૩૦ અબજ ડૉલર અને ૨૦૨૩માં તેમણે ૧૧૪ અબજ ડૉલરનું દાન કર્યું હતું. તેઓ ૨૦૦૬ની સાલથી કમાણીમાંથી ચોક્કસ હિસ્સો ચૅરિટીમાં આપતા આવ્યા છે.
આ વર્ષે વૉરન બફેટે ગેટ્સ ફાઉન્ડેશનને ૯.૪૩ મિલ્યન શૅર અને સુઝૅન થૉમ્પ્સન બફેટ ફાઉન્ડેશનને ૯.૪૨ લાખ શૅર આપ્યા છે અને એ ઉપરાંત તેમનાં સંતાનો હાવર્ડ, સૂઝી અને પીટર દ્વારા સંચાલિત ત્રણ ચૅરિટી સંસ્થાઓમાં ૬.૬ લાખ શૅર દાન કર્યા છે.