07 March, 2026 10:57 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
બ્લુ સ્પૅરો મિસાઇલ
અમેરિકા અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર કરેલા જે હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું એ માટે ઇઝરાયલે બ્લુ સ્પૅરો તરીકે ઓળખાતા અદ્યતન જેટ-લૉન્ચ બૅલિસ્ટિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ લક્ષ્ય પર પ્રહાર કરતાં પહેલાં ૨૦૦૦ કિલોમીટર ઉપર આસમાનમાં ટ્રાવેલ કરે છે અને ક્ષણવાર માટે પૃથ્વીનું વાતાવરણ છોડીને સ્પેસમાં જઈને ટાર્ગેટ પર સીધી આવીને વાયુવેગે પ્રહાર કરે છે. આ મિસાઇલ જે રીતે સ્પેસ સુધી જઈને પાછી ફરે છે એને કારણે એને સ્પેસ મિસાઇલ પણ કહેવામાં આવે છે.
બ્લુ સ્પૅરો મિસાઇલ વિશે અનેક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ મિસાઇલ સામાન્ય રીતે ફાઇટર ઍરક્રાફ્ટ પરથી છોડવામાં આવે છે. ત્યાર બાદ એના બૂસ્ટર રૉકેટ પેલોડ એના લક્ષ્ય તરફ નીચે ઊતરે એ પહેલાં એને ઊંચાઈવાળા બૅલિસ્ટિક માર્ગ પર મોકલે છે. આ મિસાઇલની રેન્જ લગભગ ૨૦૦૦ કિલોમીટર છે. એ લગભગ ૬.૫ મીટર લાંબી છે અને એનું વજન લગભગ ૧૯૦૦ કિલો છે.
આ મિસાઇલ ઈરાનમાં જ્યાં પડી એ વખતે એનો ફોર્સ એટલો તીવ્ર હતો કે એ જ્યાં પડી એ વિસ્તારને તહસનહસ કરી નાખવા ઉપરાંત એનો કાટમાળ અને ધૂળ છેક પશ્ચિમ ઈરાક સુધી ફેલાયા હતા.