રેસમાંથી હટવાનો નિર્ણય બાઇડને એકાએક લીધો

23 July, 2024 08:50 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પ્રેસિડન્ટની જાહેરાતથી ઘણા લોકોને આશ્ચર્ય થયું, કારણ કે શનિવાર સુધી તેમણે આવા કોઈ સંકેત નહોતા આપ્યા

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ તેમની ઑફિસમાં

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને નવેમ્બર મહિનામાં યોજાનારી પ્રેસિડન્ટપદની ચૂંટણીમાંથી હટી જવાનો અને તેમના સ્થાને વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસના નામની જાહેરાત કરવાનો જે નિર્ણય રવિવારે લીધો એનાથી ઘણા લોકોને આશ્રર્ય થયું હતું, કારણ કે શનિવાર સુધી આવા કોઈ સંકેત મળતા નહોતા.

જો બાઇડનનાં પારિવારિક સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ જો બાઇડન શનિવાર સુધી આ રેસમાં હતા, પણ રવિવારે બપોરે વાઇટ હાઉસના સિનિયર સ્ટાફ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે પીછેહઠનો નિર્ણય લીધો હતો.

આ સૂત્રોએ કહ્યું હતું કે શનિવાર રાત સુધી અમને એક જ મેસેજ હતો કે તેઓ (બાઇડન) આ રેસમાં કાયમ છે, ફુલ સ્પીડે આગળ વધી રહ્યા છે; પણ રવિવારે બપોરે ૧.૪૫ વાગ્યે પ્રેસિડન્ટે તેમના સિનિયર સ્ટાફને જણાવ્યું કે તેઓ ચૂંટણી નહીં લડવાનું મન બનાવી રહ્યા છે.

તેમના આ નિર્ણયથી વાઇટ હાઉસનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો. ઘણાને એમ હતું કે બાઇડન તેમના ડેલાવર સ્થિત ઘરે કોવિડ-19ની સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે એવા સમયે આવો નિર્ણય લેશે એવી તેમને જરા પણ આશંકા નહોતી, તેમને શૉક લાગ્યો હતો.

બાઇડનનાં પત્નીએ માત્ર હાર્ટની ઇમોજી મૂકી

અમેરિકામાં પ્રેસિડન્ટપદની ચૂંટણીમાંથી હટી જવાના નિર્ણયની જાહેરાત જો બાઇડને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરી હતી. તેમનાં પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડને આ મુદ્દે કોઈ શબ્દોથી પ્રતિક્રિયા વ્યક્ત કરી નહોતી, માત્ર હાર્ટની ઇમોજી મૂકી દીધી હતી. તેમના વ્યક્તિગત ઍક્સ અકાઉન્ટ પર તેમણે જો બાઇડનનો પત્ર હાર્ટની ઇમોજી સાથે શૅર કર્યો હતો.

બાઇડને પ્રેસિડન્ટપદેથી પણ રાજીનામું આપી દેવું જોઈએ : ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પે બાઇડનની ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત બાદ કહ્યું હતું કે બાઇડને હવે નવેમ્બર સુધી રાહ જોવાને બદલે તાત્કાલિક પ્રેસિડન્ટપદેથી પણ રાજીનામું આપી દેવું જોઈએ. બાઇડને તેમની જગ્યાએ અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસને ડૅમોક્રેટ્સના પ્રેસિડન્ટપદનાં ઉમેદવાર તરીકે આગળ કર્યા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે બાઇડનની સરખામણીએ કમલા હૅરિસને હરાવવાં આસાન રહેશે. 

kamala harris joe biden donald trump united states of america international news world news