12 March, 2025 09:37 AM IST | Port Louis | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મૉરિશ્યસમાં ગઈ કાલે સાંજે ભારતીય મૂળના લોકોને કરેલા સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘હોળી અને મીઠાઈ એકબીજા સાથે વણાયેલી છે. હોળીમાં ગુજિયાની મીઠાશને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. એક સમય હતો જ્યારે ભારતના પશ્ચિમ હિસ્સામાં મીઠાઈ માટે ખાંડ મૉરિશ્યસથી આવતી હતી એટલે જ કદાચ ખાંડને ગુજરાતમાં મોરસ કહેવામાં આવે છે. સમય સાથે આ મીઠાશ વધી રહી છે. મને આપવામાં આવેલા મૉરિશ્યસના સર્વોચ્ચ સન્માન માટે હું આ દેશના તમામ લોકોનો આભાર માનું છું.’
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જ્યારે પણ હું મૉરિશ્યસ આવું છું ત્યારે એવું લાગે છે કે હું મારા પોતાના લોકો વચ્ચે આવ્યો છું. ગીત ગાવઈમાં, ઢોલકની થાપમાં, દાલપુરી, કુચ્ચા અને ગાતોપીમામાં ભારતની ખુશ્બૂ વસી છે. આ સ્વાભાવિક છે, કારણ કે આ દેશની માટીમાં અમારા પૂર્વજોનું લોહી અને પરસેવો ભળેલાં છે. આપણે સૌ એક જ પરિવારના હિસ્સા છીએ.