શું ૧૯૬૨ના ભારત-ચીનના યુદ્ધનું પુનરાવર્તન થશે?

26 November, 2022 10:02 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચાઇનીઝ લીડર માઓ ઝેદોન્ગની ખોટી નીતિને કારણે લાખો લોકો ભૂખમરાને કારણે મોતને ભેટતાં ૧૯૬૨નું યુદ્ધ થયું હતું, હવે ચીનમાં બેરોજગારી અને ઝીરો કોવિડ પૉલિસીને લઈને નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે ત્યારે..

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : ચીનમાં અત્યારે ખૂબ જ ખળભળાટની સ્થિતિ છે. અહીં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને એની સાથે જ પુરવાર થયું છે કે ચાઇનીઝ રસી મહદ્ંશે બિનઅસરકારક છે. બીજી તરફ કોરોનાને રોકવા માટેનાં આકરાં નિયંત્રણોને કારણે લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ઝેન્ગઝુમાં આઇફોનની વિશાળ ફૅક્ટરીમાં કર્મચારીઓ ઝીરો કોવિડ પૉલિસી અને સૅલેરી ન ચૂકવવાને કારણે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ચીનની બેલ્ટ રોડ પહેલ એનપીએ (નૉનપ્રોડક્ટિવ એસેટ)માં ફેરવાઈ છે. વળી નેપાલ અને શ્રીલંકા જેવા દેશો હવે ચાઇનીઝ એક્ઝિમ બૅન્ક પાસેથી ઊંચા વ્યાજદરે લોન લેવા તૈયર નથી. ત્રીજી મુદત મળ્યા બાદ પ્રેસિડન્ટ શી જિનપિંગ અત્યારે આર્થિક સ્તરે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. 
આર્થિક મોરચે ખરાબ સ્થિતિ છે અને આંતરિક રોષને ધ્યાનમાં રાખતાં પ્રેસિડન્ટ જિનપિંગ કદાચ માઓ ઝેદોન્ગને અનુસરીને યુદ્ધનો માર્ગ અપનાવી શકે છે. ચીનમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે ત્યારે વધુ એક વખત પોતાના લોકોનું ધ્યાન બીજે ખેંચવા અને દેશભક્તિ જગાવવા ચાઇનીઝ નેતૃત્વ યુદ્ધનો સહારો લઈ શકે છે. ચાઇનીઝ લીડર માઓ ઝેદોન્ગે ૧૯૬૨માં એમ જ કર્યું હતું. એ સમયે ઝેદોન્ગની ગ્રેટ લીપ ફૉર્વર્ડ જબરદસ્ત નિષ્ફળ ગઈ હતી. ગ્રેટ લીપ ફૉર્વર્ડ વાસ્તવમાં ચીનના અર્થતંત્રને કૃષિથી ઉદ્યોગો તરફ શિફ્ટ કરવાનો પ્રયાસ હતો. જોકે એ પ્રયાસ નિષ્ફળ જવાને કારણે લાખો લોકો ભૂખમરાને કારણે મોતને ભેટ્યા હતા. જેના પછી સ્થાનિક લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે યુદ્ધ કરાયું હતું. હવે ચીનમાં અર્થતંત્ર નબળું પડ્યું છે ત્યારે ચીન એનું પુનરાવર્તન કરી શકે છે. તાઇવાન અત્યારે અમેરિકાના પ્રોટેક્શન હેઠળ છે. એટલે ચીન ભારતને ટાર્ગેટ બનાવી શકે છે. જેની ચોક્કસ જ કેન્દ્ર સરકારને ચિંતા છે. 

world news china