31 October, 2026 09:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વર્લ્ડ બૅન્કના ઑક્ટોબર ૨૦૨૬ના ‘પૉવર્ટી ઍન્ડ ઇક્વિટી બ્રીફ’ મુજબ ભારતે ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચેનાં ૧૨ વર્ષના ગાળામાં આશરે ૪૯.૬ કરોડ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં દેશમાં અત્યંત ગરીબીમાં જીવતી વસ્તીનું પ્રમાણ ૨૭.૧ ટકાથી ઘટીને માત્ર ૨.૬ ટકા થઈ ગયું છે. વર્લ્ડ બૅન્કે આ વિકાસને વિશ્વમાં ગરીબીમાં નોંધાયેલો સૌથી ઝડપી ઘટાડો ગણાવ્યો છે.
અહેવાલ મુજબ રોજિંદા ૩૯૯ રૂપિયા (૪.૨૦ ડૉલર) (પર્ચેઝિંગ પાવર પૅરિટી)ની આવક ધરાવતા નીચલા-મધ્યમ આવક જૂથમાં ગરીબીનું પ્રમાણ પણ ૫૭.૭ ટકાથી ઘટીને ૧૬.૧ ટકા નોંધાયું હતું. ગરીબીમાં આવેલા આ જંગી ઘટાડાનું મુખ્ય કારણ મહિલાઓની રોજગારીમાં વધારો, વપરાશમાં થયેલો મજબૂત ગ્રોથ અને ખાદ્ય સબસિડી સહિતની કલ્યાણકારી યોજનાઓ છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ની વચ્ચે દેશમાં રોજગારીમાં આશરે ૧૩.૪ કરોડનો ધરખમ વધારો જોવા મળ્યો હતો.
જોકે અહેવાલમાં બેરોજગારી વિશે કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. ભારતની ૫૭ ટકા ગરીબ વસ્તી માત્ર ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધીના પટ્ટામાં કેન્દ્રિત છે. વધુમાં ગ્રામીણ વિસ્તારોમાં યુવા મહિલાઓમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે. વર્લ્ડ બૅન્કનો અંદાજ છે કે ગરીબી ઘટવાની આ ગતિ હવે થોડી ધીમી પડશે અને ૨૦૨૮ સુધીમાં આ દર ૧૨.૧ ટકા આસપાસ રહી શકે છે.