સરકારનું સ્ટિયરિંગ ફડણવીસના હાથમાં?

05 December, 2022 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવેની ટેસ્ટ-રાઇડમાં મર્સિડીઝ તેઓ ચલાવી રહ્યા હતા અને તેમની બાજુમાં એકનાથ શિંદે બેઠા હતા

નાગપુરથી શિર્ડી સુધી એક્સપ્રેસવે પર કાર ચલાવી રહેલા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (તસવીર : પી.ટી.આઇ.)

શિવસેનામાં બળવો કર્યા બાદ બીજેપીના સહયોગથી સરકારની સ્થાપના કરીને મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદે ભલે સરકારના આગેવાન હોય, પણ સરકારનું સ્ટિયરિંગ તો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં હોવાનું કહેવાય છે. ગઈ કાલે મુંબઈ-નાગપુરને જોડતા સમૃદ્ધિ એક્સપ્રેસવેની ટેસ્ટ-ડ્રાઇવ બંને નેતાએ કરી હતી ત્યારે તેઓ જે કારમાં હતા એ મર્સિડીઝ કાર દેવેન્દ્ર ફડણવીસ ચલાવી રહ્યા હતા. આથી સોશ્યલ મીડિયામાં આ બાબતે મશ્કરી કરવામાં આવી રહી છે કે હવે ખરેખર લાગ્યું કે સરકારનું સ્ટિયરિંગ દેવેન્દ્ર ફડણવીસના હાથમાં જ છે.
આ હાઇવે કેવો બન્યો છે એ જાણવા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મર્સિડીઝ કારમાં ટેસ્ટ-ડ્રાઇવ માટે નીકળ્યા હતા. આ સમયે કાર દેવેન્દ્ર ફડણવીસ ચલાવી રહ્યા હતા અને તેમની બાજુમાં એકનાથ શિંદે બેઠા હતા. તેમણે નાગપુરથી શિર્ડી સુધીનો પ્રવાસ કર્યો હતો.

હવે પ્રસાદ લાડે ભાંગરો વાટ્યો
મહારાષ્ટ્રના આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજ સંબંધી રાજ્યપાલના નિવેદન બાદ રાજ્યમાં ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે બીજેપીના નેતા પ્રસાદ લાડે પણ છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થળ વિશે ભાંગરો વાટતાં નવો વિવાદ ઊભો થયો હતો. પ્રસાદ લાડે કોંકણ મહોત્સવ નિમિત્તે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી. તેમનો જન્મ કોંકણમાં થયો હતો. તેમનું બાળપણ રાયગડમાં વીત્યું હતું. સ્વરાજ્ય સ્થાપવાના શપથ પણ તેમણે રાયગડમાં લીધા હતા.’ 
પ્રસાદ લાડના આ નિવેદન બાદ એનસીપી અને શિવસેનાના નેતાઓએ તેમની આકરી ટીકા કરી હતી. આથી બાદમાં પ્રસાદ લાડે પોતાની ભૂલ સમજાતાં તેમણે માફી માગી લીધી હતી. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ અહમદનગરના શિવનેરી કિલ્લામાં થયો હતો.

ઉદ્ધવ ઠાકરે હિન્દુઓમાં ફૂટ પાડી રહ્યા છે : આશિષ શેલાર
મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વતંત્રતાના આંદોલનમાં ક્યાં હતો, સંઘની ટોપી કાળી કેમ જેવા સવાલ કરે છે અને પીએફઆઇ પર પ્રતિબંધનું સમર્થન કરવા તૈયાર નથી. સંઘનો વિરોધ અને પીએફઆઇયનો વિરોધ શું દર્શાવે છે? આ સંસ્થા દેશભક્ત છે કે મતો મેળવવા માટે મુસ્લિમોનું તુષ્ટીકરણ કરી રહ્યા છો? મુંબઈ બીએમસીમાં ૨૫ વર્ષથી સત્તામાં હોવા છતાં જાતિ અને ધર્મના આધારે મત માગવાનો સમય કેમ આવ્યો? કામના આધારે જનતામાં જાઓ. મુંબઈ માટે તમે કેટલી યોજના બનાવી એ કહો.’

mumbai mumbai news shiv sena nagpur eknath shinde